ગીરગઢડાના નાંદરખામાં સિંહ પરિવારે કર્યુ બે ગાયનું મારણ
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ : ગામમાં ભયનો માહોલ
અગ્ર ગુજરાત, ઊના
ગીર ગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર હવે સામાન્ય બની રહી છે, ત્યારે નાંદરખ ગામમાં વહેલી સવારે સિંહ પરિવારે દેખા દીધી હતી. એક નર સિંહ અને ત્રણ સિંહણના ટોળાએ ગામની બજારમાં લટાર મારી બે ગાયોનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ ઘટના આજે વહેલી સવારે 04:50 વાગ્યે બની હતી. ગામમાં આવેલી ‘રુદ્રેશ્વર એગ્રો’ નામની દુકાનના CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, સૌપ્રથમ એક સિંહણ મુખ્ય રોડ પરથી પસાર થાય છે. ત્યારબાદ અન્ય એક ગલીમાંથી બે સિંહણ અને એક નર સિંહ ત્યાં આવી પહોંચે છે. ચારેય વન્યજીવો થોડીવાર ગામના રસ્તાઓ પર લટાર મારે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અચાનક સિંહ પરિવાર બે ગાયોનો પીછો કરે છે અને થોડે દૂર જઈ તેમનું મારણ કરે છે. શિકાર કર્યા બાદ સિંહ પરિવાર મારણને અધૂરું મૂકીને સીમ વિસ્તાર તરફ રવાના થઈ ગયો હતો.
વહેલી સવારે જ્યારે લોકોની અવરજવર શરૂ થતી હોય છે, તેવા સમયે સિંહોના ધામાથી ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ નાંદરખ દોડી આવી હતી અને સિંહોનું લોકેશન મેળવવા માટે ટ્રેકિંગની કામગીરી હાથ ધરી હતી.
ગામમાં વારંવાર સિંહોના પ્રવેશને પગલે સ્થાનિકોમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે જેમ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરે છે, તેમ વન વિભાગે પણ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું જોઈએ. માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા માટે વન વિભાગ કાયમી ઉકેલ લાવે. હાલમાં સિંહો ગામની નજીક હોવાની આશંકાથી ખેડૂતો અને રહીશોમાં ભયનો માહોલ છે.


