કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી
ત્રણ લોકો ઇજાગ્રસ્ત : લાકડી લઇ બે જૂથ વચ્ચે ધીંગાણુ થતા વાતાવરણ ગરમાયું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનના દિવસે જ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ભાજપના કાર્યકરો વચ્ચે જૂની અદાવતને કારણે મારામારીની ઘટના બની હતી. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, જ્યાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો.
મળતી માહિતી મુજબ, બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલતી અદાવતને લઈને તણાવ હતો. આ તણાવ અંતે મારામારી સુધી પહોંચ્યો, જેમાં લાકડી અને હાથાપાઈ પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અથડામણમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બંને પક્ષના લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલ વિસ્તારમાં તણાવનો માહોલ છે, પરંતુ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


