સૂચક વિરોધ! નીટ પેપરલીંક કાંડ મુદ્દે આપના કાર્યકર્તાઓનું ઝાલમૂડી ભોજન
વિદ્યાર્થીઓ પાસે મમરા વેચવા સિવાય કોઇ ઓપશન નહી હોવાનો કટાક્ષ કર્યા
ભાજપ અને સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની ટીંગાટોળી
અગ્ર ગુજરાત, રાજકોટ
ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પેપર રાજસ્થાનથી ફૂટ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા રદ કરવામાં આવતા સમગ્ર દેશમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં ઊહાપોહ મચી ગયો છે. પેપર લીકના વિરોધમાં આજે 14 મે ના રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એકબીજાને ઝાલમૂડી ખવડાવવામાં આવી હતી અને મેડિકલમાં પ્રવેશ માટેની નીટ જેવી સૌથી મોટી પરીક્ષાનું પેપર પણ જો લીક થતું હોય તો હવે વિદ્યાર્થીઓ પાસે ઝાલમૂડી વેચવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી તેવું કહી પેપર લીકની ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન હાય રે ભાજપ, હાય રે NTA ના નારા લગાવતા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
રાજકોટ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 11 ના પ્રમુખ દિલીપ વોરાએ જણાવ્યું હતું કે, જે NEET નું પેપર ફૂટી જવાની ઘટના સામે આવી છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. તેઓ કહે છે કે અમને ગુનેગારોને છોડશું નહીં પરંતુ પકડવામાં પણ નથી આવતા અને છાવરવામાં આવે છે. જે પૈસા લઈ અને પેપર ફોડે છે તે ભાજપ પક્ષનો જ કાર્યકર્તા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પટનાના ખાન સરે એક નિવેદન આપ્યું છે કે પેપર સેટ થયા બાદ જ્યાં સુધી વિદ્યાર્થીઓના હાથમાં ન આવે ત્યાં સુધી પેપર કાઢનારા લોકો એક પેક જગ્યામાં રહે. તેની સાથે કોઈનો સંપર્ક ન રહે જેથી કરીને આવી ઘટનાઓ ન બને પરંતુ સરકારને ખબર છે કે આ મહત્વપૂર્ણ પેપર છે અને 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ આની સાથે સંકળાયેલા છે ત્યારે આ પરીક્ષામાં આ પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય.
પરંતુ હાલ લોકોને પણ આ પોસાય છે કારણ કે મારો દીકરો આટલી તૈયારી કરતા હોય તો તેઓની માનસિક હાલત શું હોય. આવી ઘટનાઓ આપણા ઘરમાં બને ત્યારે તેનું ભાન આવે પરંતુ આ તેનું પરિણામ છે કે આપણે અજ્ઞાન અને અભણ નેતાઓને પસંદ કરીએ છીએ. જેને કારણે જ આવું થાય છે. હું આ સરકારનો દોસ્ત દેતો નથી પબ્લિકને દોષ દઉં છું. શિક્ષણ એ મહત્વનો મુદ્દો છે પરંતુ સરકારના મેન્યુફેસ્ટોમાં ક્યારેય હોતો જ નથી. NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં આ પ્રકારની બેદરકારી હોય તો સમજી શકાય કે સરકારની કેવી દાનત છે. જેથી હું સરકારને વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો અન્યાય ન કરો. તમે મહત્વની વસ્તુ છે તેના ઉપર ધ્યાન આપો તેમ જણાવ્યું હતું.


