ઔદ્યોગિક એકમોમાં થતા શ્રમિકોના મૃત્યુદરમાં ગુજરાત દેશમાં ટોપ પર
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ૧૦૦થી વધારે મજૂરોના મોત : ફેકટરી ઇન્સ્પેકશનના નામે હપ્તારાજ : કોંગ્રેસના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે ફેક્ટરી અકસ્માતોમાં ગુજરાત મૃત્યુદરમાં ૧૨૧ મોત સાથે સમગ્ર દેશમાં ટોચ પર છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે રાજ્યમાં ૩૧,૫૦૦ ફેક્ટરીઓમાં ૧૬.૯૩ લાખ શ્રમિકો કામ કરે છે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખૂબજ ગંભીર બાબત છે. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યાઓ ભારત (ADSI) રિપોર્ટ અનુસાર, ૨૦૨૪માં ભારતમાં ૭૪૨ ફેક્ટરી અને મશીન અકસ્માતો નોંધાયા, જેમાં ૬૬૦ મૃત્યુ થયાં. આનો અર્થ છે કે સરેરાશ લગભગ દરરોજ બે મૃત્યુ થઈ રહ્યાં છે.જોકે નોંધાયેલા અકસ્માતોની સંખ્યા વર્ષોથી ઘટી રહી છે, પરંતુ માનવીય નુકસાન હજુ પણ વધુ છે. મૃત્યુની સંખ્યા અકસ્માતો કરતાં ધીમી ગતિએ ઘટી છે, જેના કારણે દરેક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.
ફેક્ટરી અકસ્માતોના મૃત્યુ મુખ્યત્વે કેટલાક રાજ્યોમાં કેન્દ્રિત છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, સ્ટીલ અને એન્જિનિયરિંગના મોટા ક્લસ્ટર્સ છે. ૨૦૨૪માં ટોચના પાંચ રાજ્યોએ કુલ મૃત્યુના લગભગ બે-તૃતીયાંશ (૬૪%) હિસ્સો ધરાવ્યો, ગુજરાત ૧૨૧ મૃત્યુ (દેશમાં સૌથી વધુ; સતત ત્રીજા વર્ષે ટોચ પર), રાજસ્થાન ૯૫ મૃત્યુ, મહારાષ્ટ્ર ૮૭ મૃત્યુ, મધ્ય પ્રદેશ ૭૦ મૃત્યુ, છત્તીસગઢ ૫૨ મૃત્યુ પર જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં માત્ર કહેવા પૂરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ – ભ્રષ્ટાચારની નીતિ રીતિ ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે.
શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સિરામિક, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી નક્કી કરીને સખત પગલા ભરવાની માં ગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપ સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ધમધોકાર ચાલી રહી છે. ગુજરાતમાં અનેક ઔદ્યોગિક-કેમિકલ કં૫નીઓમાં ફાયર અને અન્ય સેફટીની પૂરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્યા બાદ પણ હરકતમાં આવતા નથી અને બે-ચાર દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે ફરીથી તંત્ર હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિર્દોષ શ્રમિકો જાન ગુમાવે ત્યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખની સહાય આપીને સંતોષ માને છે. ગેરકાયદેસર ચાલતા આવા ઔદ્યોગિક જોખમી એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર ભીનુ સંકેલી રહી છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં નિયમીત પણે ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયા થાય અને શ્રમિકો માટે સલામતી માટેના પુરતા સાધનો પુરા પાડવામાં આવે જેથી શ્રમિકોને દુર્ઘટનાઓ જીવ ગુમાવવો ન પડે.


