વેપન કાર્ટેલ રેકેટમાં 13 આરોપી, 28 ગેરકાયદે હથિયારોનો મોટો ભાંડાફોડ
હથિયાર લે વેચ રેકેટમાં ભાજપના સક્રિય સભ્ય સહિત વધુ બેને ઝડપી લેતુ PCB
રાજુલાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર જીલુ બારૈયા પાસેથી 4 હથિયાર મળ્યા; મધ્યપ્રદેશથી 5થી 7 હજારમાં ખરીદાતા હથિયારો સૌરાષ્ટ્રમાં 50 હજાર સુધી વેચાતા હોવાનો ખુલાસો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસની પી.સી.બી. શાખાએ ગેરકાયદે હથિયારોના કાળા કારોબાર સામે હાથ ધરેલી કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ કર્યા બાદ પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડતા હવે કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન કુલ 28 દેશી બનાવટના ગેરકાયદે હથિયારો અને 32 જીવતા કાર્ટીસ કબજે કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે આજે ઝડપાયેલા આરોપીઓમાં રાજુલા તાલુકા પંચાયતના બે ટર્મ સુધી પ્રમુખ રહેલા માસુબેન ભુપતભાઈ બારૈયાના પુત્ર જીલુ બારૈયાનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જીલુ ભાજપનો સક્રિય સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. તેની પાસેથી બે દેશી તમંચા અને એક દેશી પિસ્તોલ સહિત ત્રણ ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે.
રાજકોટ પી.સી.બી.ના પીઆઈ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે ગત સોમવારે પાંચ આરોપીઓને 16 ગેરકાયદે હથિયારો અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ આગળ વધતાં વધુ આઠ આરોપીઓ ઝડપાયા અને તેમની પાસેથી વધુ 12 હથિયારો કબજે કરાયા. આમ પાંચ દિવસમાં જ કુલ 13 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી છે.
પોલીસ તપાસ મુજબ જીલુ બારૈયાની એક વર્ષ અગાઉ પીપાવાવ ખાતે ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા સાથે ઓળખાણ થઈ હતી. દર્શન મધ્યપ્રદેશના મુખ્ય આરોપી સકીલ સાદિક મન્સૂરી પાસેથી હથિયારો ખરીદી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વેચતો હતો. જીલુએ દર્શન પાસેથી બે તમંચા રૂ.15-15 હજારમાં અને એક દેશી પિસ્તોલ રૂ.50 હજારમાં ખરીદી હોવાનું બહાર આવ્યું છે.
આજની કાર્યવાહીમાં ઝડપાયેલા અન્ય આરોપી ઋતુરાજ ખાચરે પણ પ્રદીપ ખાચર પાસેથી રૂ.50 હજારમાં દેશી પિસ્તોલ ખરીદી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સમક્ષ જીલુ બારૈયા એવો બચાવ કરી રહ્યો છે કે અગાઉ થયેલા મનદુઃખ અને ઝઘડાઓને કારણે તેણે પોતાની સુરક્ષા અને શોખ માટે હથિયારો ખરીદ્યા હતા. જોકે પોલીસે તેની આ દલીલને ગંભીરતાથી ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશનો સકીલ સાદિક મન્સૂરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીકથી તેની ધરપકડ કર્યા બાદ અનેક કડીઓ ખુલતી ગઈ છે. સકીલે પૂછપરછમાં કબૂલ્યું છે કે તે મધ્યપ્રદેશના પવન અને રાહુલ નામના શખ્સો પાસેથી રૂ.5થી 7 હજારમાં હથિયારો ખરીદતો અને રાજકોટ-સૌરાષ્ટ્રમાં રૂ.25થી 50 હજારમાં વેચતો હતો. આ બંને સપ્લાયરોને ઝડપી પાડવા માટે પોલીસે હવે મધ્યપ્રદેશમાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. આ કેસમાં અગાઉ સંદીપસિંહ પરમાર, જયપાલ ડેડાણિયા, આરીફ પઠાણ, ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમાર સહિતના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય પાંચ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ પી.સી.બી.ની આ કાર્યવાહીથી ગેરકાયદે હથિયારોનું મોટું નેટવર્ક તૂટ્યું હોવાનું પોલીસ માની રહી છે. જોકે હજુ પણ અનેક ખરીદદારો અને સપ્લાયરો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા નામો સામે આવે તેવી શક્યતાને પોલીસ નકારી રહી નથી.


