ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
સરકારી નોકરી મેળવવાની સફર ઘણી વખત સંઘર્ષ, ત્યાગ અને અડગ મનોબળ માંગતી હોય છે. ખાસ કરીને એક મહિલા માટે લગ્ન બાદ ઘર, પરિવાર અને સપનાઓ વચ્ચે સંતુલન જાળવી પોતાની ઓળખ ઉભી કરવી સરળ વાત નથી. આવી જ પ્રેરણાદાયી સફર મહિલા PSI એન.એ. ગઢવીએ પાર કરી છે, જેઓએ પતિના સાથ અને પરિવારના સહકારથી લગ્ન બાદ સરકારી નોકરીની તૈયારી શરૂ કરી અને અંતે પોલીસ ખાતામાં પોતાની ઓળખ બનાવી.
નોકરી મેળવ્યા બાદ જીવનની નવી જવાબદારીઓ શરૂ થઈ. પોલીસ વિભાગ જેવી કઠિન અને સમયબંધ ફરજ વચ્ચે માતૃત્વનું સુખ મળ્યું અને બે વર્ષ બાદ પુત્રનો જન્મ થયો. પરંતુ કહેવાય છે ને કે “એક માંને પણ માંની જરૂર પડે,” તેવી જ રીતે આ સફરમાં તેમની માતા મજબૂત આધાર બની. પોતાની માતા પાન કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી હોવા છતાં દીકરીના બાળકની નાનપણથી જ પ્રેમપૂર્વક સંભાળ રાખી, જેથી દીકરી પોતાના કર્તવ્યપથ પર આગળ વધી શકે.
એન.એ.વગઢવુને ત્યારબાદ PSI તરીકે મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાની તક મળી. પોલીસ વિભાગની અનિયમિત ડ્યૂટી, બંદોબસ્ત, ટ્રેનિંગ અને સતત જવાબદારીઓ વચ્ચે બાળકનો ઉછેર સરળ નહોતો. ત્યારે સાસુએ પણ માતૃત્વનો સહારો આપી બાળકની સંભાળ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરિવારના આ સહકારથી જ એક મહિલા પોલીસ અધિકારી પોતાની ફરજ અને પરિવાર બંનેને સમતોલ રીતે નિભાવી શકી છે.
પરંતુ એક માતાના હૃદયમાં રહેલું દુઃખ આજે પણ અકબંધ છે. ફરજ પર જતી વખતે બાળકને ઘરે મૂકી જવું, લાંબા કલાકો બાદ ઘરે પરત ફરતાં બારણે ઊભેલા બાળકની આંખોમાં પોતાની રાહ જોતી મમતા જોવી — એ દરેક ક્ષણ દિલને સ્પર્શી જાય છે. બાળક ક્યારે ધીમે ધીમે મોટું થઈ જાય છે, તેનું બાળપણ ક્યારે પસાર થઈ જાય છે, તેની ખબર પણ નથી પડતી. પોલીસની ફરજ વચ્ચે બાળકથી દૂર રહેવું એટલે જાણે પોતાના શરીરનો કોઈ અગત્યનો અંગ ઘરે મૂકી જવું હોય તેવી લાગણી થાય છે.
તેમ છતાં પરિવાર, પતિ અને સાસરીયાના અવિરત સહકાર સાથે આ સફર આજે પણ આગળ વધી રહી છે. ખાખી પહેરી સમાજ માટે ફરજ બજાવતી મહિલા PSI એન.એ. ગઢવી પોતાના બાળક માટે મમતા અને પ્રેમનું પણ એટલું જ મજબૂત ઉદાહરણ બની રહી છે. તેમની આ સફર માત્ર એક મહિલા પોલીસ અધિકારીની નહીં, પરંતુ દરેક કામકાજી માતાની લાગણીઓ અને સંઘર્ષનું પ્રતિબિંબ છે.


