પ્રેમીના મિત્રએ લગ્નના વચનો આપી દોઢ વર્ષ સુધી મહિલાનો દેહ પીખ્યો
તું આની સાથે રહીશ તો જિંદગી બગડી જશે, કહી ત્રણ સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી; લગ્નથી પલટી મારતા આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
લગ્નની લાલચ આપીને મહિલાઓનું શારીરિક શોષણ કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૈત્રીકરાર હેઠળ અન્ય વ્યક્તિ સાથે રહેતી ત્રણ સંતાનની માતાને તેના પ્રેમીના મિત્રએ જ વિશ્વાસમાં લઈને લગ્નના વચનો આપ્યા હતા. આરોપીએ મહિલાને અગાઉના સંબંધમાંથી બહાર આવવા પ્રેરિત કરી પોતાની સાથે રાખી દોઢ વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું અને અંતે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેસમાં મૂળ સુરેન્દ્રનગર પંથકની અને હાલમાં રાજકોટમાં રહેતી 31 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચુનારાવાડ વિસ્તારમાં રહેતા દિપક રામજીભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી મહિલા ઘરે બેઠાં ઇમિટેશનનું કામ કરીને પોતાના ત્રણ સંતાનોનું ભરણપોષણ કરે છે. પોલીસ ફરિયાદ મુજબ, મહિલાના પ્રથમ લગ્નજીવનમાંથી ત્રણ સંતાનો થયા હતા. પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે સંતાનો સાથે રહેતી હતી અને બાદમાં સુરેશ નામના વ્યક્તિ સાથે મૈત્રીકરાર હેઠળ રહેવા લાગી હતી. આ દરમિયાન સુરેશનો મિત્ર દિપક સોલંકી અવારનવાર તેમના ઘરે આવતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ અને ત્યારબાદ મિત્રતા થઈ હતી.
આરોપ છે કે દિપકે મહિલાને સમજાવ્યું હતું કે સુરેશ સાથે રહેતાં તેનું ભવિષ્ય બગડી જશે અને પોતાની સાથે લગ્ન કરશે તો તે મહિલા તેમજ તેના ત્રણેય સંતાનોની જવાબદારી સ્વીકારી લેશે. આ વિશ્વાસમાં આવી મહિલાએ સુરેશ સાથેનો સંબંધ સમાપ્ત કર્યો અને દિપક સાથે ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.
ફરિયાદ અનુસાર, દિપક સોલંકીએ લગ્ન કરવાની ખાતરી આપીને દોઢ વર્ષ સુધી મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલાએ લગ્ન અંગે દબાણ શરૂ કર્યું ત્યારે આરોપી સતત બહાના બનાવતો રહ્યો અને પછી આખરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોતાને છેતરાયાની લાગણી થતાં મહિલાએ આજીડેમ પોલીસનો સંપર્ક કર્યો હતો. આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. એન. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી. એચ. પઢેરીયાએ ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


