જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વ્યાપક દરોડા
જન ઔષધિ કેન્દ્રમાં સંચાલક હાજર નહી મળતા કાર્યવાહી : વેપારીઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા ફાર્મસી આલમમાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક દવાઓનું વેચાણ અને ફાર્માસિસ્ટની ગેરહાજરી અંગે મળેલી ગંભીર ફરિયાદોના આધારે રાજકોટથી આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા જેતપુરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ડ્રગ ઇન્સ્પેક્ટર એચ.જી. પરમારે જણાવ્યું હતું કે, જેતપુર ખાતે મેડિકલ સ્ટોર્સમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો મળી હતી. જેના અનુસંધાને ટીમ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એક ‘પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર’માં ફાર્માસિસ્ટ હાજર ન મળી આવતા તેની સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેતપુરમાં આશરે ૧૧૫ થી વધુ રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ આવેલા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ શહેરમાં ત્રાટકતા જ અન્ય ક્ષતિઓ ધરાવતા અનેક મેડિકલ સ્ટોર્સના સંચાલકો પોતાની દુકાનોના શટર પાડીને રફુચક્કર થઈ ગયા હતા. જોકે, આ બાબતે જેતપુર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ વાગડિયાએ મેડિકલ સંચાલકોનો બચાવ કરતા નિવેદન આપ્યું હતું કે, બપોરનો સમય હોવાથી સંચાલકો જમવા અથવા અન્ય કોઈ ખાનગી કામ અર્થે બહાર ગયા હોઈ શકે છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ આ તપાસ પ્રાથમિક તબક્કે ચાલુ છે અને આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ વિઝિટ ચાલુ રાખવામાં આવશે. જે દુકાનો અત્યારે બંધ જોવા મળી છે, તેમની પણ આગામી સમયમાં રૂટિન તપાસ અંતર્ગત કડક ચકાસણી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સંચાલકને બક્ષવામાં આવશે નહીં અને કાયદેસરના કડક પગલાં લેવાશે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર જેતપુરના મેડિકલ ક્ષેત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


