માય યુવા ભારત દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ બાદ સર્ટિફિકેટ વિતરણ
રાજકોટ કલેકટરના હસ્તે અપાયા પ્રમાણપત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
માય યુવા ભારત રાજકોટ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાજકોટ ખાતે યુવાનો માટે અનુભવલક્ષી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત વિશેષ યુવા તાલીમ કાર્યક્રમોનું આયોજન રાજકોટ જિલ્લાના અધિકારી સ્વરૂપ દેશ ભરથાર તથા માય ભારતના રાજુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો, જે અંતર્ગત તમામ તાલીમાર્થીઓને કલેકટર ઓમ પ્રકાશના હસ્તે સર્ટીફીકેટ આપી શિક્ષિત અને દીક્ષિત કરવામાં આવ્યા હતા. આ કાર્યકમમા રાજકોટ ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
MY Bharat’ રાજકોટ અંતર્ગત યોજાયેલો આ 5 દિવસીય ‘એક્સપેરિએન્શિયલ લર્નિંગ’ કાર્યક્રમ માત્ર એક સરકારી મુલાકાત ન રહેતા, વિદ્યાર્થીઓ માટે વહીવટી અને સામાજિક જ્ઞાનની એક ખુલ્લી પાઠશાળા સાબિત થયો છે. જાહેર વિતરણ પ્રણાલી (PDS) જેવી જટિલ વ્યવસ્થાને ટેકનોલોજી અને પારદર્શિતાના માધ્યમથી સરકારે કેવી રીતે સરળ બનાવી છે, તેનો યુવાનોએ પ્રત્યક્ષ અનુભવ કર્યો.આ તમામ વહીવટી કામગીરી અને ફિલ્ડ વિઝિટના અંતે, એક પ્રેરણાદાયી સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશ સરના હસ્તે તમામ ઉત્સાહી પ્રતિભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ તકે કલેક્ટર સાહેબે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી, તેમના અનુભવો જાણ્યા હતા અને તમામ યુવાનોને દેશના વિકાસમાં ભાગીદાર બની ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પુસ્તકીય જ્ઞાનને જ્યારે આવું વ્યવહારિક પ્લેટફોર્મ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનું માર્ગદર્શન મળે છે, ત્યારે યુવા પેઢીને દેશના સજાગ, કુશળ અને જવાબદાર નાગરિક બનાવવામાં આવા આયોજનો માઈલસ્ટોન (પથદર્શક) સાબિત થાય છે.
આ તકે તાલીમાર્થી વિદ્યાર્થીઓ એ તેમના અનુભવો જણાવતા કહ્યું કે આ પાંચ દિવસીય તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને દેશની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વ્યવસ્થાઓમાંની એક એવી ‘જાહેર વિતરણ પ્રણાલી’ (Public Distribution System – PDS/રેશનિંગ વ્યવસ્થા) ની જમીની હકીકત અને તેના સંચાલનથી માહિતગાર કરવાનો હતો. પુસ્તકીય જ્ઞાનથી પરે જઈને, વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દ્વારા અનાજના સંગ્રહ (ગોડાઉન) થી લઈને સામાન્ય નાગરિકના ઘર સુધી અનાજ પહોંચાડવાની સમગ્ર ડિજિટલ અને લોજિસ્ટિક્સ પ્રક્રિયાને રૂબરૂ નિહાળી હતી. આ નવતર પ્રયોગ દ્વારા યુવાનોમાં સરકારી પ્રક્રિયાઓ પ્રત્યે પારદર્શિતાની સમજ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.


