પેટ્રોલ-ડિઝલની બચત, સોનુ ન ખરીદવાની PMની અપીલને જીવનનો મંત્ર બનાવવા CMનું આહવાન
વડાપ્રધાનના સુચનનું પાલન કરવાથી ભવિષ્યમાં કામ લાગશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અગ્ર ગુજરાત, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતુ. એ પહેલા બપોરે બે વાગ્યે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં સફર કરીને સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તો વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરાયું હતું. ત્યારે મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીના પરિવારનું પણ દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પટેલ નો કાર્યક્રમ હોય એટલે ખબર પડી જાય કે આ પટેલ નો કાર્યક્રમ છે. પટેલ હંમેશા આપવામાં માને છે સ્ટેજ પરથી જોયું કે કેટલા દાતાઓ સામે આવ્યા અને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર દાન આપે છે દાતાઓ સરદારજીની પ્રતિમાનું અનાવરણ સુરતમાં કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે પથ્થરને પાટુ મારીને પાણી કાઢવાની તાકાત રાખવા પાટીદાર સમાજ છે પાટીદાર સમાજે દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને સોનું ન ખરીદવા અપીલ કરી છે. તેનો આપ સૌ પાલન કરશો અને સાથે તેને જીવનનો મંત્ર બનાવશો તો ભવિષ્યમાં કામ લાગશે.
દિકરીઓ માટેની હોસ્ટેલની જાહેરાત
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા માત્ર દીકરાઓ જ નહીં, પરંતુ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ દૂરંદેશી અભિગમના ભાગરૂપે, સંસ્થા દ્વારા આગામી સમયમાં 500 દીકરીઓ માટે “કિરણ મહિલા ભવન”નું પણ નિર્માણ કરીને લોકાર્પણ કરવામાં આવશે. આ બંને ભવ્ય પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે કુલ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડ્રીમ પ્રોજેક્ટના માધ્યમથી સુરત આવતા મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોના સંતાનોને ખૂબ જ કિફાયતી દરે ઉચ્ચ સ્તરની શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે.


