રાજુલાના ચાંચબંદર-વિક્ટર પોર્ટ ખાડી પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
કામ તાકીદે બંધ કરાવી તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતાં એડવોકેટ રણજીત ગુજરીયા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાંચબંદર અને વિક્ટર પોર્ટને જોડતા દરિયાઈ ખાડી પરના કરોડોના ખર્ચે બની રહેલા પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રણજીતભાઈ આર. ગુજરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી છે. સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોની રજૂઆતોના પગલે રાજ્ય સરકાર દ્વારા આ ખાડી પર રૂ. ૮૫ કરોડના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે આ નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હાલમાં તેની કામગીરી પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં એડવોકેટ રણજીત ગુજરીયાએ જણાવ્યું છે કે, ચાંચબંદર અને વિક્ટરની ખાડી ઉપર બની રહેલા આ પુલની કામગીરી અત્યંત બોગસ અને હલકી ગુણવત્તાવાળી થઈ રહી છે. પુલના નિર્માણમાં વપરાતું લોખંડ તેમજ અન્ય મટીરીયલ પૂરતા પ્રમાણમાં અને જરૂરી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું નથી. દરિયાઈ વિસ્તાર હોવાથી અહીં મજબૂત બાંધકામ અનિવાર્ય છે. છતાંપણ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેમણે લોકહિતમાં માંગ કરી છે કે, આ પુલની કામગીરીમાં થઈ રહેલી ક્ષતિઓ અંગે સત્વરે ઉચ્ચ સ્તરીય અને યોગ્ય તપાસ કરવામાં આવે. આ સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલનું બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે….


