રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં
બંનેનું સહિ સલામત રેસ્કયું કરતું વન વિભાગ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામના સીમ વિસ્તારમાં આવેલ આતાભાઇ વાઘ નામના ખેડૂતની વાડીમાં આવેલી ખુલ્લા કૂવામાં મોડીરાતે એક સિંહણ અને શ્વાન ખાબક્યા હતાં. શ્વાન પાછળ દૂટ મૂકનારી સિંહણને અંદાજ ન રહેતા બંને ૫૦ ફૂટ ઊંડા કૂવામાં જઇ પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ખેડૂતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક ખેડૂતે તાત્કાલિક આ અંગે વનવિભાગને જાણ કરી હતી. રાજુલા વનવિભાગના ફોરેસ્ટર, ટ્રેકર અને રેસ્ક્યુ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગે સમય સૂચકતા વાપરીને કૂવામાંથી પ્રથમ સિંહણને સહી સલામત રીતે બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. સિંહણના રેસ્ક્યુ બાદ કૂવામાં ફસાયેલા શ્વાનને બચાવવા માટે વનવિભાગે એક અનોખો પ્રયાસ કર્યો હતો. વનવિભાગે સૌપ્રથમ કૂવામાં ખાટલો ઉતાર્યો હતો પરંતુ ડરના માર્યા શ્વાન ખાટલા પર બેઠું ન હતું. અંતે વનવિભાગની રેસ્ક્યુ ટીમના જાંબાઝ રેસ્ક્યુ ટીમના જુદેનભાઇ કૂરેશી પોતે જીવના જોખમે દોરડા મારફતે ૫૦ ફૂટ ઊંડા કૂવામાં નીચે ઉતર્યા હતા. તેમણે ભારે જહેમત બાદ શ્વાનને પણ સહીસલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. વનવિભાગની આ દિલધડક કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. આ ઘટનાને પગલે વાડીના માલિક આતાભાઇ વાઘે વનવિભાગ સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂત આતાભાઇએ આક્ષેપ છે કે આ વિસ્તારમાં અવારનવાર સિંહોના આંટાફેરા રહે છે જેના કારણે ખેડૂતોમાં સતત ભયનો માહોલ રહે છે અને ખેતીકામ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. ખેડૂતોની માંગ છે કે વનવિભાગ દ્વારા સીમ વિસ્તારની ફરતે તારની જાળી નાખવામાં આવે અને વનવિભાગની ટીમ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે.


