શાસ્ત્રી મેદાનમાં થયેલા દબાણોનો મુદ્દો જિલ્લાની સંકલન બેઠકમાં ફરી ઉછળ્યો
નવી રજીસ્ટ્રાર કચેરી બનાવવા, એઇમ્સ પાસે બસ સ્ટેશન સહિતના વિવિધ પ્રોજેકટ અંગે રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં મે-૨૦૨૬ના માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ કલેકટરે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવા અને નક્કર આયોજન સાથે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ધારાસભ્ય દર્શિતાબહેન શાહ દ્વારા શાપર – વેરાવળ ચોકડી પર બ્રિજ નીચે ગંદકી, ડોગ બાઈટના કેસ, રાજકોટ શહેરમાં આવેલા શાસ્ત્રીમેદાનની અંદર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ, મેદાનની બહાર ફૂટપાથ પર દબાણ, નવી રજિસ્ટ્રાર કચેરી બનાવવાની કામગીરી, અનાજ માટે એ.ટી.એમની કામગીરી, પરશુરામ મંદિર પાસે વન કવચ યોજનાની અમલવારી, AIIMs ખાતે બસ સ્ટેશન બનાવવાની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ તકે ઉપસ્થિત બંને ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત સરકાર દ્વારા આયોજિત ‘જનગણના-૨૦૨૭’ અંતર્ગત રાજકોટ જિલ્લો અને મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની પ્રારંભિક કામગીરીના સુચારુ આયોજન અંગે જિલ્લા સંકલનની બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. આ જનગણનાની સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં યોજાનાર છે, જેમાં પ્રથમ તબક્કો ‘મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી’ આગામી ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી, ૨૦૨૭થી હાથ ધરાશે. તેમજ આવતીકાલ તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ‘સેલ્ફ-એન્યુમરેશન’ માટે ઓનલાઈન વિન્ડો ખુલ્લી રહેશે. નાગરિકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાના મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરાવી શકશે.
આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ, ASP સિમરન ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મૂછાર, સર્વે પ્રાંત અધિકારીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


