રંગીલાવાસીઓ શેકાયા : રાજકોટ ૪૧.૯ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંતોની માવઠાની આગાહી : લોકો મુંઝવણમાં મૂકાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40થી 42°C આસપાસ રહી શકે છે.
રાજ્યના 4 શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41°C સાથે બીજા ક્રમે રહ્યું છે. તો અમદાવાદમાં 40.4°C અને અમરેલીમાં 40.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. 19 એપ્રિલઃઅમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ 20 એપ્રિલઃઅમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ અને આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ પરેશાન કરશે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી લૂ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે 20 એપ્રિલ સુધી આ રાજ્યોમાં ગરમી અને બફારાથી રાહત મળવાની આશા નથી. તાપમાન 40 થી 44°C ની વચ્ચે રહી શકે છે.


