જગતાતે જીવન ટૂંકાવ્યું : વડિયામાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો દવા પી આપઘાત
આપઘાત પહેલાં વીડિયો બનાવી ખેડૂતે ઠાલવી આપવીતી: બે શખ્સો સામે ગુનો દાખલ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના વડિયામાં ખેતરના રસ્તાના પ્રશ્ને ચાલી રહેલા વિવાદ અને હેરાનગતિથી કંટાળીને એક સ્થાનિક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં રસ્તો રોકનાર શખ્સોની હેરાનગતિનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, વડિયામાં રહેતા ખેડૂત મનસુખભાઈ સોજીત્રા પોતાના ખેતરના રસ્તાના વિવાદ અને વાંધાઓને કારણે લાંબા સમયથી માનસિક રીતે પરેશાન હતા. અવારનવાર રસ્તો બંધ કરી અવારનવાર કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને આખરે બે દિવસ પહેલાં તેમણે પોતાના ખેતરમાં જ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ખેડૂતના મોતના પગલે પરિવાર અને સ્થાનિક ખેડૂત આલમમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. મનસુખભાઈએ અંતિમ પગલું ભરતા પહેલાં પોતાની આપવીતી જણાવતો એક વીડિયો બનાવ્યો હતો.
વીડિયોમાં જણાવ્યું હતું કે તેમની વાડી તરફ જવાનો રસ્તો વારંવાર રોકવામાં આવતો હતો અને તેમને સતત દબાણ તથા અપશબ્દોનો સામનો કરવો પડતો હતો. વીડિયોમાં તેમણે બાલાભાઈ સોજીત્રા અને ભાવેશભાઈ સોજીત્રાના નામનો ઉલ્લેખ કરીને હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા હતા. વીડિયોના અંતમાં તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે, “મારા દીકરાનું ધ્યાન રાખજો.” આક્ષેપ મુજબ લાંબા સમયથી ચાલતી માનસિક પરેશાની અને ત્રાસથી કંટાળી મનસુખભાઈએ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી.
આ ધટના પગલે વડિયા પોલીસે રસ્તો રોકનાર અને હેરાન કરનાર બે શખ્સો સામે ગુનાહિત દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા BNSની કલમ 108, 351(3) અને 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ બંને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


