મગજના ખેલમાં વડોદરા ઝળહળ્યું: જ્યોતિ CNC પ્રેરિત આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
૫૦૦ ખેલાડીઓની સાક્ષીએ આંતરરાષ્ટ્રીય FIDE ટુર્નામેન્ટ યોજાઈ; વિજેતાઓને રૂ. ૩ લાખના ઈનામો અને દ્રષ્ટિબાધિત ખેલાડીઓની પ્રેરણાદાયી સહભાગિતા
અગ્ર ગુજરાત,વડોદરા
વડોદરા સ્થિત સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. ૧૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ‘ઇન્ટરનેશનલ ક્લાસિકલ બેલો 1800 ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી આવેલા આશરે 500 જેટલા ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં પાંચ વર્ષના બાળ ખેલાડીઓથી લઈને ૬૦ વર્ષથી વધુ વયના અનુભવી ખેલાડીઓ સુધીના સ્પર્ધકોએ પોતાની ચેસ પ્રતિભા, વ્યૂહરચના અને માનસિક એકાગ્રતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ૧૦ થી ૧૫ જેટલા દૃષ્ટિબાધિત ખેલાડીઓની સહભાગિતાએ સમગ્ર સ્પર્ધાને વિશેષ અને પ્રેરણાદાયી બનાવી હતી. આ ખેલાડીઓએ પોતાની મક્કમતા અને રમત પ્રત્યેના સમર્પણ દ્વારા ઉપસ્થિત સૌને પ્રેરણાનો સંદેશ આપ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટને રાજકોટની અગ્રણી ઔદ્યોગિક સંસ્થા જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી. સંસ્થાના સહયોગથી ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ અને આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શ્રી શૈલેશ રાવલે સમગ્ર આયોજન, સંકલન અને વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનનાં ડિરેક્ટર ડૉ. હરજીત કૌર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર રાવજોગી, પોલીસ ઇન્સ્પેક્ટર વી. વી. ચૌધરી, શ્રીમતી નિશા ઠક્કર, શ્રી અર્જુનસિંહ મકવાણા, સેન્ટ કબીર સ્કૂલના ચેરમેન શ્રી એમ. કે. ટંડન, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પૂર્વ સચિવ શ્રી ભાવેશભાઈ પટેલ અને શ્રી મયુરભાઈ પટેલ તેમજ બ્રાઇટ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભાવિક પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ દરમિયાન ખેલાડીઓ વચ્ચે અત્યંત રોમાંચક અને ઉચ્ચ કક્ષાની મુકાબલા જોવા મળ્યા હતા. વિવિધ રાઉન્ડમાં ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને જીત મેળવવા માટે જોરદાર સ્પર્ધા કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન નિયમબદ્ધ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં વિવિધ કેટેગરીના વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટની મુખ્ય ઇનામ શ્રેણીમાં પ્રથમ ક્રમે રોહિત રાહુલકુમાર જે. (રેન્ક–૧)ને રૂ. ૩૨,૦૦૦ અને ટ્રોફી, દ્વિતીય ક્રમે ડૉ. કનાની પાર્થ આર. (રેન્ક–૨)ને રૂ. ૨૩,૦૦૦ અને ટ્રોફી તથા તૃતીય ક્રમે સમૃદ્ધ ખરે (રેન્ક–૩)ને રૂ. ૧૧,૦૦૦ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ વેટરન (એસ–૬૦) શ્રેણીમાં રાવલ શૈલેષ (રેન્ક–૧૩)ને રૂ. ૧૦,૦૦૦, ચતુર્વેદી નરેન્દ્રનાથ (રેન્ક–૨૩)ને રૂ. ૬,૦૦૦ અને ગંગાધરા કિની (રેન્ક–૨૬)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. ૧૬૦૦થી ૧૬૯૯ રેટિંગ શ્રેણીમાં રાજ પટેલ (રેન્ક–૪)ને રૂ. ૧૦,૦૦૦, ઇશાન અગ્રવાલ (રેન્ક–૯)ને રૂ. ૬,૦૦૦ અને ધોરે રોહન (રેન્ક–૧૨)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ૧૫૦૦થી ૧૫૯૯ રેટિંગ શ્રેણીમાં વિશ્વાસ જોશી (રેન્ક–૧૦)ને રૂ. ૧૦,૦૦૦, પરદેશી સિદ્ધાર્થ નંદકિશોર (રેન્ક–૧૬)ને રૂ. ૬,૦૦૦ અને સોનાર ઋષિકેશ (રેન્ક–૨૪)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. ૧૪૦૦થી ૧૪૯૯ રેટિંગ શ્રેણીમાં ઇધાંત વિશાલ પરમાર (રેન્ક–૩૮)ને રૂ. ૧૦,૦૦૦, ટંડન કબીર અર્જુન (રેન્ક–૫૦)ને રૂ. ૬,૦૦૦ અને પુરંજય ચૌધરી (રેન્ક–૭૫)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ અનરેટેડ ખેલાડી શ્રેણીમાં વિશાલ એચ. હસરાજાણી (રેન્ક–૫૯)ને રૂ. ૧૦,૦૦૦, વિસાની કિંશુક (રેન્ક–૬૨)ને રૂ. ૬,૦૦૦ અને ઠાકુર કૃષ (રેન્ક–૬૭)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. અન્ડર–૧૭ શ્રેણીમાં વિશ્વનાથ (રેન્ક–૮)ને રૂ. ૧૦,૦૦૦, ત્રિવેદી ધ્વનિત દર્શન (રેન્ક–૧૫)ને રૂ. ૬,૦૦૦ અને મિકદાદ મુસ્તફા મોતીવાલા (રેન્ક–૧૭)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અન્ડર–૧૧ શ્રેણીમાં સાઇરામ ચિદમ્બરમ લક્ષ્મણન (રેન્ક–૫)ને રૂ. ૧૦,૦૦૦, પ્રિયાંશ જિગરકુમાર જરીવાલા (રેન્ક–૨૧)ને રૂ. ૬,૦૦૦ અને જય ઉર્વેશકુમાર મહેતા (રેન્ક–૩૦)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે વડોદરાના શ્રેષ્ઠ ખેલાડી શ્રેણીમાં ગોહિલ વિશાલ (રેન્ક–૬)ને રૂ. ૧૦,૦૦૦, સાતા નેવાન રાકેશ (રેન્ક–૩૧)ને રૂ. ૬,૦૦૦ અને આદિત્ય આશિષ પટેલ (રેન્ક–૩૪)ને રૂ. ૪,૦૦૦ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટના આયોજક શ્રી શૈલેશ રાવલે, આયોજનમાં સહયોગ આપનાર જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના CMD શ્રી પરાક્રમસિંહ જાડેજા, કૂ. આરતી અગ્રાવત, શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, શ્રી અલયભાઈ દવે, શ્રી ઉપેન્દ્રભાઈ પંચાલ, શ્રી મેહુલભાઈ રાદડિયા તથા તમામ મહેમાનો, ખેલાડીઓ, રેફરીઓ, સ્વયંસેવકો, સહયોગી સંસ્થાઓ તથા દર્શકોનો તેમજ આમંત્રણને માન આપી રાજકોટની પ્રતિષ્ઠિત ગેસફોર્ડ ચેસ ક્લબના હેદેદાર અને ચેસ લવર્સ, શ્રી હર્ષદભાઈ ડોડીયા, શ્રી જશરાજભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ અદાણી વગેરે લોકોએ રૂબરૂ ટુર્નામેંટમાં હાજરી આયોજકોનો ઉત્સાહ વધારેલ, આ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધાઓનું આયોજન કરીને નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યોતિ ફાઉંડેશન-રાજકોટના કૌશિકભાઈ સોલંકીની અખબારી યાદી જણાવે છે.


