વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
પાલીકાના શાસકોએ મુખ્યમંત્રીને મળીને વિકસિત નગર બનાવવા માટે અનેક મુદાઓની ચર્ચા કરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ પાટણ નગરપાલિકાના નવનિયુક્ત શાસકો પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ વેળાએ જોડીયા શહેરનું નામ બદલી “સોમનાથ” રાખવા તથા શહેરને અનેકવિધ આધુનિક સુવિધાઓ મળે તે સંબંધે મુખ્યમંત્રી સમક્ષ શાસકોએ રજુઆત કરી હતી.
તાજેતરમાં ગાંધીનગરના પ્રવાસે ગયેલા પાલીકાના શાસકોને મુખ્યમંત્રી પટેલએ રૂબરૂ મળી બેઠક યોજી હતી. જેમાં ખાસ પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરની ઐતિહાસિક, ધાર્મિક અને વૈશ્વિક ઓળખને ધ્યાનમાં રાખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ “સોમનાથ નગરપાલિકા” કરવા માટે ભારપૂર્વક રજુઆત કરી હતી. આ ઉપરાંત શહેરનો ધાર્મિક અને હેરિટેજ ટૂરિઝમની દિશામાં વિકાસ થાય તેવા પ્રોજેકટો બાબતે તથા આગળ તે દિશામાં લઈ જવા જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરમાં આધુનિક સુવિધાઓ અને તેને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રજુઆત કરાઈ હતી.
આ ઉપરાંત શહેરના દરીયાકાંઠા વિસ્તાર અને માછીમારી ઉદ્યોગના વિકાસ માટે વિશેષ યોજનાઓ લાવીને રોજગારીનુ સર્જન કરીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના પ્રોજેકટો બાબતે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ઉપરોકત તમામ રજુઆતોને લઈ મુખ્યમંત્રી પટેલએ હકારાત્મક અભિગમ સાથે વિકસિત ગુજરાતના વિઝન સાથે વેરાવળ-સોમનાથના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાની હૈયાધારણા આપી હતી.


