વીરપુરની ૮ નંબરની આંગણવાડી નશાખોરો માટે બની બાર
અસામાજીક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીતા હોવા છતાં તંત્રના આંખ આડા કાન
કેન્દ્રના મહિલા કાર્યકર સાથે અશોભનીય વર્તન અને ત્રાસ આપતા હોવાની રાવ
અગ્ર ગુજરાત, વીરપુર (જલારામ)
યાત્રાધામ વીરપુર (જલારામ) ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નં. ૮માં લાંબા સમયથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અને સુરક્ષાના અભાવને કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. આંગણવાડી મહિલા કાર્યકરે આઈ.સી.ડી.એસ. તંત્રને લેખિત રજૂઆત કરી કેન્દ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા વીરપુર આંગણવાડી કેન્દ્ર નં.૮ ને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.આંગણવાડી કેન્દ્ર જાણે દારૂનો અડ્ડો બની ગયું હોય તેમ રાત્રિના સમયે દીવાલ કૂદીને પરિસરમાં પ્રવેશ કરીદારૂ પીવો, ગંદકી ફેલાવવી તેમજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના બનાવો સતત બની રહ્યા છે. આ તત્વો દ્વારા આંગણવાડીના મુખ્ય દરવાજાની વારંવાર તોડફોડ કરવામાં આવતા કેન્દ્રનું પરિસર અસુરક્ષિત બન્યું હોવાનું જણાવાયું છે. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.!
કેન્દ્ર નં.૮ માં ફરજ બજાવતા મહિલા કાર્યકરે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે અસામાજિક તત્વો દ્વારા તેમની સાથે અશોભનીય વર્તન તથા માનસિક ત્રાસ આપવામાં આવે છે, જેના કારણે તેઓ સતત ભયના માહોલમાં ફરજ બજાવવા મજબૂર બન્યા છે.
આ દરમિયાન તૂટેલા દરવાજાના કારણે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. એક રખડતું અને હિંસક શ્વાન આંગણવાડી પરિસરમાં ઘૂસી આવ્યું હતું અને ત્યાં હાજર એક બાળક પર હુમલો કરવાની અણી પર હતું. તે સમયે બાળકનો જીવ બચાવવા મહિલા કાર્યકરે બહાદુરીપૂર્વક બાળકને ઊંચકીને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકનો જીવ બચી ગયો હતો, પરંતુ એ શ્વાને મહિલા કાર્યકર પર હુમલો કરી તેમને ગંભીર રીતે બચકા ભર્યા અને હુમલામાં તેઓ લોહીલુહાણ થયા હતા અને બાદ વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર સાથે એન્ટી-રેબીઝ ઈન્જેક્શન લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે આંગણવાડી કેન્દ્ર નં.૮ ના મહિલા કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ અનેક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં આંગણવાડી માટે નવો મજબૂત લોખંડનો દરવાજો લગાવવો, કમ્પાઉન્ડ વોલ ઊંચી કરી કાંટાળા તારનું ફેન્સિંગ કરવું, સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર તથા મહિલા કર્મચારીને હેરાન કરનાર અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આંગણવાડી કેન્દ્રમાં રોજ નાના બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં સુરક્ષાનો પ્રશ્ન અત્યંત ગંભીર બની ગયો છે. સ્થાનિક લોકો અને વાલીઓએ પણ તંત્રને આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે.
હાલ સમગ્ર મામલે આઈ.સી.ડી.એસ. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવસે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે.


