માંગરોળના શેરીયાજમાં જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી
માનસિક અસ્થિર મહિલાનું રહસ્મય મોત: સિંહે મહીલાને ફાડી ખાધી હોવાનો ગ્રામજનો નો દાવો
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સિંહ દિપડા સહિતનાં હિંસક વન્ય જીવોના આટાફેરા વધી ગયા છે , જેના કારણે માંગરોળ ના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં હંમેશા ભયનો માહોલ જોવા મળે છે. એ દરમિયાન ગત રાત્રે માંગરોળ ના શેરીયાજ ગામે એક માનસિક રીતે અસ્થિર મહિલાની કોઈ હિંસક ફાડી ખાંતા ચકચાર મચી જવા પામી છે.
એક ગામથી બીજા ગામ રઝળપાટ કરતી અને શેરીયાજ ગામની બહાર વસવાટ કરતી એક માનસિક રીતે અસ્થિર મહિલાને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતા જ સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર પંથકના લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિક લોકોમાં એવી પ્રબળ આશંકા અને ચર્ચાઓ ચાલી રહી છે કે આ વિસ્તારમાં અવારનવાર દેખાતા સિંહ દ્વારા જ માનસિક બીમાર મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે અને સિંહે જ આ મહિલાનો શિકાર કર્યો હોઈ શકે છે. જો કે, વન વિભાગ આ મામલે હાલ તુરંત કોઈ સત્તાવાર પુષ્ટિ કરવા તૈયાર નથી.
વન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલાનું સાચું કારણ અને તથ્યો મૃતક મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટના અંગેની પ્રાથમિક જાણ થતા જ માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના જિલ્લા પંચાયત સભ્ય જેઠાભાઈ ચુડાસમાએ સક્રિયતા દાખવીને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે માહિતગાર કર્યા હતા.


