વોર્ડ નં.૧૦ શિક્ષીત અને પ્રબુધ્ધ નાગરિકોનો વિસ્તાર : ઘનશ્યામ હેરભા
સિનિયર સિટીઝનો અને બાળકો માટે પાર્ક બનાવાશે તેમજ એક ઓકિસઝન પાર્કની પણ સુવિધા વિકસાવાશે
૭૨ સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાશે : ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૧૦ના ઉમેદવારોએ વ્યકત કરેલો વિશ્વાસ
રાજકોટને મેટ્રો સિટી તરફ લઇ જવા અને વડાપ્રધાનના ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા તમામ પ્રયાસો કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજયભરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની ભાજપના ઉમેદવારો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રજાની સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપી તેના નિકાલ માટેની સુવ્યવસ્થિત તૈયારીઓ અને રણનીતિ ઘડવામાં આવી છે. રાજકોટના વોર્ડ નં.૧૦માં પ્રબૃધ્ધ નાગરિકોનો વસવાટ છે. સમગ્ર વિસ્તાર શિક્ષીત અને બૃધ્ધિજીવી વર્ગનો છે. આ વિસ્તારનો વધુમાં વધુ ડેવલપ થાય તે મુજબનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૧૦ના ઉમેદવારોએ જણાવ્યું હતું.
‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૧૦ના ઉમેદવાર ઘનશ્યામભાઇ હેરભા, અશ્વિનભાઇ ભોરણીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૦ અતિ શિક્ષીત છે. પ્રબૃધ્ધ નાગરિકો આ વોર્ડમાં વસવાટ કરી રહ્યાં છે. આમ જોવા જઇએ તો રાજકોટનો વોર્ડ નં.૧૦ રાજકોટનું કેપીટલ વિસ્તાર પણ ગણી શકીએ. આ વિસ્તારમાં ખૂંટતી તમામ સુવિધાઓને ભાજપ શાસનમાં આવતાની સાથે જ પ્રાધાન્ય આપવામાં આવશે. વોર્ડ નં.૧૦ને વધુમાં વધુ કઇ રીતે ડેવલપ કરી શકાય તે અંગેનું આયોજન પણ અત્યારથી જ કરવામાં આવ્યું છે અને તે મુજબની જ કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.
વધુમાં ઉમેદવારોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૪૭માં ભારતને વિશ્વ ફલક પર અને જીડીપી દર તેમજ સ્માર્ટ સિટી તરફનું વિઝન અંકિત કરવામાં આવ્યું છે. આ વિઝનને ધ્યાનમાં રાખીને વોર્ડ નં.૧૦ સહિત સમગ્ર રાજકોટનો વિકાસ કરવામાં આવશે. વોર્ડ નં.૧૦માં સિનિયર સીટીઝનો માટે પાર્ક બનાવવામાં આવશે. તેમજ બાળકો માટે પણ ક્રિંડાંગણનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત વોર્ડમાં એક ઓકિસઝન પાર્ક બનાવવામાં આવશે જે લોકોને એક ઉર્જા પૂરી પાડશે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે રાજકોટમાં યંગ જનરેશન સૌથી વધુ છે. શિક્ષીત લોકોનું પ્રમાણ પણ સૌથી વધારે છે. સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ પણ વોર્ડ નં.૧૦માં આવેલી છે. જેથી ત્યાં વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં વસવાટ કરી રહ્યાં છે તેમજ સ્પર્ધાત્મક અને પરીક્ષા ભરતી સહિત પ્રાઇવેટ નોકરીઓ માટે પણ મહેનત કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓને પોતાની મહેનતમાં યોગ્ય સફળતા મળી રહે અને તે માટેની તૈયારીઓ કરવાની એક સુવ્યવસ્થિત જગ્યાની સુવિધા મળે તે અંતર્ગત વોર્ડ નં.૧૦માં તમામ સુવિધાઓ સાથેની એક અતિ આધુનિક લાયબ્રેરીનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ તેમજ કેટલાક નોકરીયાત વિદ્યાર્થીઓ પોતાની નોકરીના સમયમાંથી ટાઇમ કાઢી પરીક્ષાઓની તૈયારી કરી શકે. લાયબ્રેરીમાં કોમ્યુટર, પુસ્તકો સહિતની તમામ વ્યવસ્થાઓ કરવાનું આયોજન હાલ ચાલી રહ્યું છે.
રાજકોટને મેટ્રો સિટી તરફ લઇ જવા માટે ચોક્કસ આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે અને જયાં જરૂર જણાય છે તે વિસ્તારોમાં અને રસ્તાઓ પર ઓવરબ્રીજ તેમજ અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે. જેથી કરીને ટ્રાફિક સમસ્યાને ટાળી શકાય. ઉપરાંત વોર્ડ નં.૧૦ સહિત શહેરમાં જયાં પણ પાણી, રોડ-રસ્તા સહિતની નાની-મોટી સમસ્યાઓ હશે તેનો પણ ઉકેલ કરવામાં આવશે અને નાગરિકો એક સારૂ જીવન જીવી શકે તે તમામ પ્રકારની સુવિધાઓ આગામી દિવસોમાં પૂરી પાડવાના પ્રયત્નો કરવામાં આવશે.
સૌથી મોટી લીડ વોર્ડ નં.૧૦માંથી મળશે
ઘનશ્યામભાઇ હેરભા અને અશ્વિનભાઇ ભોરણીયાએ વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું હતું કે હાલ વોર્ડમાંથી પ્રજાજનોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ઠેર-ઠેર ઉમેદવારોનું નાગરિકો દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ઉત્સાહ જોતા અને લોકોનો અમારા પ્રત્યેનો લગાવ જોતાં વોર્ડ નં.૧૦ આગામી ચૂંટણીમાં સૌથી વધુ લીડ મેળવી અઢાર વોર્ડમાં ટોપ પર રહેશે. સૌથી વધુ લીડથી વોર્ડ નં.૧૦ના ઉમેદવારો ભાજપને સત્તા પર લાવશે તેવું અંતમાં જણાવ્યું હતું.
ઘનશ્યામભાઇ હેરભા અને નીતાબેન લાલ પ્રથમ ચૂંટણી મેદાનમાં
વોર્ડ નં.૧૦માં ભાજપ દ્વારા ઘનશ્યામભાઇ હેરભા અને નીતાબેન લાલને આ વખતે ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઘનશ્યામભાઇ હેરભા અને નીતાબેન લાલ પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યાં છે. તે ઉપરાંત અશ્વિનભાઇ ભોરણીયા અગાઉ નગરસેવક તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે અને આ બીજી ટર્મ પણ તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જયારે જયોત્સનાબેન ટીલાળા બે વખત કોર્પોરેટર રહી ચુકયા છે. ભાજપે તેઓને ત્રીજી ટર્મમાં પણ નાગરિકોની સેવા કરવાનો અવસર આપ્યો છે.


