કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ
કોઠારીયા અને કેએસડી ખાતે રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત, રૈયાધારમાં પ્રોસેસ શરૂ: ૪૫૦ મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા સેન્ટર શહેરને રાખશે ગંદકી મુક્ત: ૧૭ કરોડ રૂપિયા મનપા વાપરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા શહેરોને નંબર આપવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટે જોરદાર કુદકો લગાવીને 39માં નંબરમાંથી સીધો 19મો નંબર મેળવ્યો હતો. હવે આગામી મહિનાઓમાં આ સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકોટને દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
જેમાં 17 કરોડથી વધુના ખર્ચે 3 MRF(મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ પૈકી 2 સેન્ટરો તો કાર્યરત થઈ ચૂક્યા છે. અને ત્રીજા સેન્ટરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર સહિતની ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે.
રાજકોટ મનપાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના કડક અમલીકરણ માટે સતત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા હેઠળ કચરાનું સેગ્રીગેશન (અલગ) કરવું, BwG (બલ્ક વેસ્ટ જનરેટર)નું રજીસ્ટ્રેશન કરવું અને કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને લેન્ડફિલ સાઇટ પર ઝીરો વેસ્ટ જાય તે દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ 450 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા 3 MRF (મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રણેય સેન્ટરોના કન્સ્ટ્રક્શન અને મશીનરી સહિતનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 17 કરોડ 70 લાખ (એક સેન્ટરનો આશરે ખર્ચ રૂ. 5 કરોડ 90 લાખ) થશે. આ સેન્ટરોમાં કન્સ્ટ્રક્શન અને મશીનરીની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં જ તેને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવશે.
રાજકોટમાં કચરાની સ્થિતિ અંગેની જાણકારી આપતા સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં દૈનિક આશરે 800 મેટ્રિક ટન જેટલો કચરો ઉત્પન્ન થાય છે. આ કચરાના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ માટે શહેરમાં 3 જુદા-જુદા સ્થળોએ MRF સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોઠારિયા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અને કેએસડી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે બે સેન્ટરો સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, જ્યારે રૈયાધાર રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે હાલ જમીન લેવલિંગ સહિતની આનુષંગિક કામગીરી કરવામાં આવી રહી છે. આ ત્રણેય MRF સેન્ટરની વ્યક્તિગત ક્ષમતા 150-150 મેટ્રિક ટનની રહેશે, જેના કારણે દૈનિક 450 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ (સૂકો કચરો) પ્રોસેસ કરી શકાશે.
MRF એટલે કે મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટરનો મુખ્ય ફાયદો એ થશે કે શહેરમાંથી એકઠા થતા કચરામાંથી વેચી શકાય તેવી તેમજ રિસાયકલ અને રીયુઝ થઈ શકે તેવી વસ્તુઓને અલગ કરીને રિકવર કરવામાં આવશે. આ સેન્ટરો પર પ્લાસ્ટિક, કાચ, પૂંઠાં વગેરે જેવી સામગ્રીને અલગ તારવવામાં આવશે, જેનો ઉપયોગ ફરીથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાશે.
આ કામગીરી માટે સેન્ટરો પર અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા ત્રણ પ્રકારના ટ્રોમેલ મશીનો વસાવવામાં આવ્યા છે. આ મશીનો કચરામાં રહેલી અલગ-અલગ સાઇઝની વસ્તુઓને સેપરેટ કરશે. મશીનરીમાં 60 mm અને 100 mm જેવા જુદી-જુદી સાઈઝના ફિલ્ટર્સની વ્યવસ્થા હોવાથી તે કચરાનું ચોક્કસ વર્ગીકરણ કરશે. મશીનરી ફક્ત ડ્રાય વેસ્ટનું પ્રોસેસિંગ કરીને કિંમતી સ્ક્રેપ સામગ્રીને રિકવર કરશે, જેના કારણે નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરાનું ભારણ ખૂબ જ ઘટી જશે.
નાકરાવાડી નજીક પણ બનતો પ્લાન્ટ
આ એમઆરએફ સેન્ટરો ખાતેથી સૂકો કચરો અલગ થઈ ગયા બાદ જે વેટ વેસ્ટ (ભીનો કચરો) બચશે, તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે. ભીનો કચરો સરળતાથી કોહવાઈ શકે તેવો હોવાથી તેને સીધો જ નાકરાવાડી ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં નાકરાવાડી ખાતે 250 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો ‘વેસ્ટ ટુ કમ્પોસ્ટ’ પ્લાન્ટ બની રહ્યો છે, જેનું કન્સ્ટ્રક્શન કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. શહેરમાં જનરેટ થતા 800 મેટ્રિક ટન કચરામાંથી 450 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ MRF સેન્ટર ખાતે જશે અને બાકી રહેતા 400 ટન કચરામાંથી 250 મેટ્રિક ટન કચરાનો ઉપયોગ આ વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટમાં ખાતર બનાવવા માટે કરવામાં આવશે.
શહેરને ૧૦૦ ટકા ઝીરો લેન્ડફિલ બનાવવા ટાર્ગેટ
પર્યાવરણ ઈજનેરે વધુમાં ઉમેર્યું હતું કે, નાકરાવાડી ખાતે લાંબા સમયથી જમા થયેલા લેગસી વેસ્ટ (જૂનો કચરો)ના નિકાલ માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 6 લાખ મેટ્રિક ટન જેટલા જૂના લેગસી વેસ્ટનું સફળતાપૂર્વક પ્રોસેસિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વ્યવસ્થાપન અને નિકાલ માટે વ્યાપક સ્તરે મલ્ટીપલ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં પૂર્ણ થતાં જ સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે રાજકોટ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરશે. પર્યાવરણ વિભાગનો મુખ્ય ટાર્ગેટ આગામી એકાદ વર્ષની અંદર જ રાજકોટને 100% ‘ઝીરો લેન્ડફિલ’ શહેર બનાવવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


