રાજકોટથી ૨૯ ઓગસ્ટે ઊપડશે ‘ભારત ગૌરવ ટ્રેન’
પુરી, કામાખ્યા, ગયા, કાશી અને અયોધ્યાના પંચ મહાતીર્થ દર્શનની સુવર્ણ તક
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત IRCTC દ્વારા ૧૩ દિવસની ભવ્ય તીર્થયાત્રાનું આયોજન: બુકિંગ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય રેલ્વે અને આઈ.આર.સી.ટી.સી. (IRCTC) દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ધર્મપ્રેમી જનતા માટે એક અદભુત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજકોટથી ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ પંચ મહાતીર્થ દર્શન યાત્રા માટે પ્રસ્થાન કરશે. ૧૩ દિવસની આ ધાર્મિક યાત્રા દરમિયાન પ્રવાસીઓને જગન્નાથ પુરી, કામાખ્યા મંદિર (આસામ), ગયા, વારાણસી (કાશી) અને પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યાના દર્શન કરાવવામાં આવશે. આ પ્રવાસ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે.
આઈ.આર.સી.ટી.સી. પશ્ચિમ ઝોન (અમદાવાદ) ના રીજનલ મેનેજરના જણાવ્યા મુજબ, ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેતી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને સંત હિરદારામનગર સ્ટેશનેથી જોડાઈ શકશે.
આ સ્પેશિયલ ટ્રેનની વિશેષતા એ છે કે મુસાફરોની સલામતી માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા તૈનાત રહેશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશેષ ‘ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ’ લગાવવામાં આવી છે, જેના પર ભજન-કીર્તન અને યાત્રા સંબંધિત માહિતી અપાશે.
IRCTC દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓલ-ઇન્ક્લુઝિવ પેકેજ તૈયાર કરાયું છે, જેમાં આધુનિક કિચન કાર દ્વારા પ્રવાસીની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન, ધાર્મિક સ્થળોની મુલાકાત માટે લક્ઝરી બસની વ્યવસ્થા, બજેટ હોટેલમાં રોકાણ અને ગાઈડની સુવિધા, દરેક યાત્રિકનો સિક્યોરિટી તરીકે અકસ્માત વીમો, સરકારી કર્મચારીઓ માટે નિયમ મુજબ LTC ની સુવિધા સહિતની સેવાઓ મફત મળશે.
આ પ્રવાસ માટેનું સત્તાવાર બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. પ્રવાસીઓ IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. વધુ માહિતી અને રૂબરૂ બુકિંગ માટે અમદાવાદ ખાતે આશ્રમ રોડ પર પેલિકન બિલ્ડિંગમાં આવેલી IRCTC ઓફિસ અથવા વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર આવેલા સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત પ્રવાસીઓ વ્હોટ્સએપ (WhatsApp) અથવા roadi@irctc.com પર ઈમેઈલ કરીને પણ વિગતો મેળવી શકશે.


