પશ્ચિમ એશિયા સંકટનો સીધો માર
કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી
ખાદ્ય તેલ, ગેસ, પેટ્રોલ-ડીઝલ અને દવાઓના ભાવમાં સતત વધારો ; કંપનીઓએ કાચા માલ અને પરિવહન ખર્ચ વધ્યાનું કારણ આપી ભાવ વધાર્યા, અનેક ઉત્પાદનોના પેકેટ પણ નાના કરાયા
માર્ચ બાદ રસોડાના ખર્ચમાં ₹2 હજારથી વધુનો વધારો; મોંઘવારીની અસર હવે દરેક ઘરના બજેટમાં સ્પષ્ટ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ભારે ઉછાળાએ ભારતના સામાન્ય નાગરિકોના ઘરેલુ બજેટને મોટો ઝટકો આપ્યો છે. માર્ચ 2026 પછી દેશભરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 15થી 20 ટકા સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે કરોડો પરિવારોના માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. રોજિંદા જીવનમાં ઉપયોગી થતી ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ, ડિટર્જન્ટ, ચા, ગેસ, પેટ્રોલ-ડીઝલ અને દવાઓ સહિત અનેક વસ્તુઓ મોંઘી બની છે. ઉત્પાદક કંપનીઓ કાચા માલના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ અને સપ્લાય ચેઇન પર પડેલા દબાણને કારણે કિંમતો વધારવા મજબૂર હોવાનું કહી રહી છે. કેટલીક કંપનીઓએ ભાવ વધારવાની જગ્યાએ પેકેટનું વજન ઘટાડીને ગ્રાહકો પર પરોક્ષ બોજ નાખ્યો છે.
ખાદ્ય તેલના બજારમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અગાઉ એક લીટર સરસવનું તેલ 180 રૂપિયામાં મળતું હતું, જ્યારે હવે પેકેટનું વજન ઘટાડીને આશરે 825 ગ્રામ કરવામાં આવ્યું છે અને તેની કિંમત 166થી 175 રૂપિયા સુધી પહોંચી છે. પીળા સરસવના તેલનો ભાવ પણ 170 રૂપિયાથી વધીને 220 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે.
મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે. જો કોઈ પરિવારનો માસિક રસોડાનો ખર્ચ 15 હજાર રૂપિયા હતો તો વધતી કિંમતોના કારણે તેમાં દર મહિને 750થી 1000 રૂપિયાનો વધારો થયો છે. માર્ચ બાદથી કુલ ખર્ચમાં સરેરાશ બે હજાર રૂપિયા કે તેથી વધુનો વધારો નોંધાયો હોવાનું અર્થશાસ્ત્રીઓ માને છે. ઊર્જા ક્ષેત્રમાં પણ નોંધપાત્ર ભાવવધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10.24 ટકા, કોમર્શિયલ સિલિન્ડરમાં 76.1 ટકા, પેટ્રોલમાં 7.7 ટકા અને ડીઝલમાં 8.4 ટકાનો વધારો નોંધાયો છે. ઇંધણના વધેલા ભાવોની સીધી અસર પરિવહન અને માલસામાનની હેરફેર પર પડી રહી છે, જેના કારણે લગભગ દરેક ક્ષેત્રમાં ખર્ચ વધી રહ્યો છે.
દવા ઉદ્યોગ પણ આ મોંઘવારીથી અછૂત રહ્યો નથી. દવાઓના ઉત્પાદન માટે જરૂરી કાચા માલના ભાવ 40થી 100 ટકા સુધી વધી ગયા હોવાનું ઉદ્યોગજગતનું કહેવું છે. પેરાસિટામોલના કાચા માલમાં 47 ટકા, ડાઇક્લોફેનાકમાં 54 ટકા અને ડાઇક્લોફેનાક પોટેશિયમમાં 33 ટકા સુધીનો વધારો નોંધાયો છે. પરિણામે તાવ, દુખાવો, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારીઓની દવાઓ પણ મોંઘી બનવાની આશંકા છે.
વિશ્વ બેન્કના તાજેતરના અહેવાલ મુજબ અલ નીનોની અસરને કારણે આગામી સમયમાં ખેતી ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે. જેના કારણે મકાઈ, ઘઉં અને ચોખા સહિતના મુખ્ય અનાજના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો ખાદ્ય મોંઘવારી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
રસોડાના બજેટ પર કેટલો બોજ?
* માર્ચ બાદ જીવન જરૂરી ચીજોમાં 15-20% વધારો
* 15 હજારના માસિક ખર્ચમાં ₹2,000થી વધુ વધારો
* ખાદ્ય તેલ, ચા, ડિટર્જન્ટ સહિતની વસ્તુઓ મોંઘી
* કેટલીક કંપનીઓએ પેકેટનું વજન ઘટાડ્યું
ઇંધણમાં કેટલો ભાવવધારો?
* ઘરેલુ ગેસ સિલિન્ડર : +10.24%
* કોમર્શિયલ સિલિન્ડર : +76.1%
* પેટ્રોલ : +7.7%
* ડીઝલ : +8.4%
* પરિવહન ખર્ચ વધતાં તમામ ક્ષેત્રો પર અસર
દવાઓ પણ થશે મોંઘી
* કાચા માલના ભાવમાં 40થી 100% વધારો
* પેરાસિટામોલ : +47%
* ડાઇક્લોફેનાક : +54%
* ડાઇક્લોફેનાક પોટેશિયમ : +33%
* પેકેજિંગ અને શિપિંગ ખર્ચ પણ વધ્યા
ખાદ્ય તેલના ભાવે રેકોર્ડ બનાવ્યો
* સરસવ તેલનું પેકિંગ 1 લીટરમાંથી 825 ગ્રામ
* ભાવ ₹170થી વધીને ₹220 પ્રતિ લીટર સુધી
* ગ્રાહકોને ‘શ્રિંકફ્લેશન’નો સામનો
* ઘરેલુ ખર્ચમાં સતત વધારો
વિશ્વ બેન્કની ચેતવણી
* 2027 સુધી અલ નીનોની અસર રહેવાની શક્યતા
* મકાઈના ભાવમાં 5% વધારો શક્ય
* ઘઉંના ભાવમાં 19% વધારો થવાની આશંકા
* ચોખાના ભાવમાં 6% સુધી વધારો સંભવિત
* વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સામે નવા પડકારો ઉભા થયા


