વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી
BOI સ્થાનિક સત્તામંડળ ન હોવાથી ફરજ સોંપી શકાય નહી, ફરજ અંગેનો આદેશ રદ કરવા માંગ
અગ્ર ગુજરાત, સુરત
ગુજરાતમાં હાલ વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓને પણ કામગીરી સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે સુરત બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટ પહોંચી સ્ટેની માગણી કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ બાબતે ઓથોરિટીને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. બેંક કર્મચારીઓની રજૂઆત છે કે, બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તા મંડળ નથી તેથી તેના કર્મચારીઓને વસતી ગણતરીની ફરજો સોંપી શકાય નહીં.
બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશને, સુરત શહેરના વસ્તી ગણતરી અધિકારી જેઓ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, તેમના દ્વારા 12 મેના રોજ બહાર પાડવામાં આવેલા આદેશોને પડકાર્યા છે. આ આદેશો દ્વારા વસ્તી ગણતરી સત્તાધિકારીએ વસતી ગણતરી અધિનિયમની કલમ 4ની જોગવાઈઓ હેઠળ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપી હતી.
પોતાની અરજીમાં એસોસિએશને દલીલ કરી છે કે બેંક ઓફ ઈન્ડિયા કોઈ સ્થાનિક સત્તામંડળ નથી અને તેથી તેના કર્મચારીઓને વસ્તી ગણતરીની ફરજો સોંપી શકાય નહીં. તેમના વકીલે રજૂઆત કરી હતી કે, એસોસિએશને સંબંધિત અધિકારીને વસતી ગણતરીની ફરજ અંગેનો આદેશ રદ કરવા વિનંતી કરતી રજૂઆત કરી હતી, પરંતુ તે વિનંતી ફગાવી દેવામાં આવી હતી.
અરજદારોએ આ કાયદાની કલમ 4Aની જોગવાઈઓ પર આધાર રાખ્યો છે, જે વસ્તી ગણતરીના કામ માટે સ્થાનિક સંસ્થાના સ્ટાફને રોકવાનો આદેશ આપે છે. વકીલે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન LICના કર્મચારીઓ સાથે જોડાયેલા એક આદેશનો હવાલો આપ્યો હતો, જેમણે વર્ષ 2011ની વસ્તી ગણતરી દરમિયાન વસતી ગણતરીની સોંપણીને સફળતાપૂર્વક પડકારી હતી. સિંગલ જજની બેન્ચે 339 LIC કર્મચારીઓને વસ્તી ગણતરીની ફરજો માટે ગણતરીકાર અને સુપરવાઈઝર તરીકે નિયુક્ત કરતી વસતી ગણતરી સત્તાવાળાઓની નોટિસો રદ કરી દીધી હતી. વસતી ગણતરી સત્તાધિકારી આવી સંસ્થાની સેવાઓ મેળવી શકે નહીં તેવો આ નિર્ણય વર્ષ 2019માં ડિવિઝન બેન્ચ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો.
અરજદાર એસોસિએશને વસતી ગણતરીની ફરજના આદેશ પર સ્ટે માંગ્યો હતો, પરંતુ હાઇકોર્ટે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એક લાંબી પ્રક્રિયા છે અને તે સોમવારથી જ શરૂ થઈ છે. હાઈકોર્ટે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર તેમજ આદેશ આપનાર સત્તાધિકારીને નોટિસ પાઠવીને 10 જૂન સુધીમાં તેમના જવાબો માંગ્યા છે, જ્યારે આ મામલે વધુ સુનાવણી નિયત કરવામાં આવી છે.


