રાજુલામાં ૧૫ દિવસીય સમર યોગ કેમ્પ સંપન્ન: ૧૩૦ બાળકોએ ભાગ લીધો
પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના અગ્રણીઓની હાજરીમાં કેમ્પ સંપન્ન
અગ્ર ગુજરાત, રાજુલા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તા. ૧૬ મે ૨૦૨૬ થી તા. ૩૦ મે ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં સમર યોગ કેમ્પ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે અમરેલીના રાજુલામાં પણ એક ભવ્ય નિ:શુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું સફળ સંચાલન યોગ કોચ દિપાબેન તેરૈયા તથા ઉર્મિલાબેન રવિયા અને યોગ ટ્રેનર ચેતનાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૫ દિવસ યોજાયેલ આ કેમ્પમાં રાજુલાના આશરે ૧૩૦ જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વેકેશનનો સદુપયોગ કર્યો હતો. કેમ્પ દરમિયાન બાળકોને માત્ર યોગાસન જ નહીં પરંતુ પ્રાણાયામ, ધ્યાન, રમતગમત તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને યોગ્ય આહાર, શિસ્તબદ્ધ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ માહિતગાર કર્યા હતા. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં નિયમિતતા, એકાગ્રતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને સંસ્કારાત્મક વિચારોનો વિકાસ કરવાનો હતો. રાજ્ય યોગ બોર્ડની આ પહેલને વાલીઓએ પણ બિરદાવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં ગાયત્રી શક્તિપીઠ રાજુલાના તમામ ટ્રસ્ટીઓનો ખુબ સહકાર મળ્યો હતો. ગતરોજ આ કેમ્પના સમાપન સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ડો.પી.પી.મૂછડીયા, ડો. કાનજીભાઇ બલદાણીયા, ભનુભાઇ પટેલ, હરેશભાઇ તેરૈયા, ગૌરાંગભાઈ જાની તેમજ મંદિરના પૂજારી લાલાબાપુ સહિતના સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન દિન નિમિત્તે પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેર તરફથી કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને ચકલીના માળા અને માટીના કુંડાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.


