દાહોદ જિલ્લામાં એક જ દિવસે બનેલી અરેરાટી ફેલાવતી બે ઘટના
ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
એ-ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ બે બાળકોને દવા પાતા મોત, પોતાનો આત્મહત્યાનો પ્રયાસ
દેવગઢ બારિયાના વડભેડ ગામમાં ચાર સંતાનો સાથે માતાએ કૂવો પૂર્યો : ત્રણ બાળકોના કરૂણ મોત
પત્ની-પતિના ઝઘડામાં ખેલાયેલા ખૂની ખેલથી સમગ્ર પંથક સ્તબ્ધ
અગ્ર ગુજરાત, દાહોદ
વર્તમાન સમયમાં સહનશકિતની ઉણપ આવી છે અને ઘરકંકાસના લીધે અનેક પરિવારના માળા વિખાઇ રહ્યા છે. જેમાં સૌથી વધારે ભોગ બાળકોનો લેવાઇ રહ્યો છે. દાહોદમાં એક જ દિવસમાં અરેરાટી ફેલાવતા બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક માતાએ ચાર સંતાન સાથે કુવો પૂર્યો હતો. જેમાં ત્રણના મોત થયા છે. જયારે પોલીસ કર્મચારીની પત્નીએ બે બાળકોને ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું હતું. જેમાં બાળકોના મોત થયા છે.
દાહોદ શહેરમાં ચોંકાવનારી ઘટનાઓ બની છે. એક કિસ્સામાં માતાએ પોતાનાં ચાર સંતાનો સાથે કૂવામાં પડતું મૂક્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પોલીસ પરિવારને વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે આ બે ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર દાહોદનાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીના ઘરમાં જ શોક છવાયો છે. પોલીસકર્મીની પત્નીએ પોતાના જ 7 અને 3 વર્ષનાં બે વ્હાલસોયા પુત્રોની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના બે માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઝેરની અસરને કારણે બંને બાળકોએ તરફડિયાં મારીને દમ તોડ્યો હતો. પોતાના જ સંતાનોના નિર્જીવ દેહ જોઈને માતાએ પણ એ જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખુદ પોલીસ પરિવારમાં સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. બી-ડિવિઝન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ પાછળ કોઈ પારિવારિક કંકાસ જવાબદાર છે કે પછી મહિલા કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી? તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. એક હસતા-રમતા પરિવારનાં બે જીવનદીપ બુઝાઈ જતાં સમગ્ર દાહોદમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડભેડ ગામમાં રહેતી એક મહિલાએ પોતાના ચાર માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં માતા અને એક બાળકીનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ ઘરકંકાસમાં પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાન દીપસિંહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈ દીપસિંહભાઈએ તુરંત જ બાજુના ગામના સંજયભાઈ નામના યુવકને ફોન કરીને બોલાવ્યા હતા. સંજયભાઈએ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૂવામાં કૂદીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તેમણે ભારે જહેમત બાદ માતા ચંપાબેન અને એક બાળકીને જીવિત બહાર કાઢ્યા હતા.
અન્ય ત્રણ બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ પુત્રી પ્રિયંકા (12 વર્ષ) પુત્ર ગિરિરાજ (5 વર્ષ) પુત્ર રાજવીર (2 વર્ષ) ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


