જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ
માત્ર ૬૭૪ અરજી માન્ય : રોષે ભરાયેલા હિરાના કારીગરોએ સરકાર સામે બાયો ચડાવી : કલેકટરને આવેદન પાઠવ્યું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સરકાર દ્વારા રત્નકલાકારોના પરિવારો માટે જાહેર કરવામાં આવેલી શિક્ષણ ફી સહાય યોજના જૂનાગઢ જિલ્લામાં વિવાદોના ઘેરામાં આવી છે. ટેકનિકલ ખામીઓ અને નજીવી ભૂલોના બહાને મોટી સંખ્યામાં રત્નકલાકારોની અરજીઓ રદ કરવામાં આવતા રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢ ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે.
જૂનાગઢ ડાયમંડ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2,892 જેટલા રત્નકલાકારોએ પોતાના સંતાનોની શિક્ષણ ફી સહાય માટે અરજી કરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 674 અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. બાકીની હજારો અરજીઓ તંત્ર દ્વારા નામંજૂર કરી દેવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગીય રત્નકલાકાર પરિવારો ચિંતામાં મુકાયા છે.
ડાયમંડ એસોસિએશનનો દાવો છે કે, ઘણી અરજીઓ માત્ર ફોર્મમાં તારીખ લખવામાં થયેલી સામાન્ય ભૂલ અથવા તો ઓછી વિગતો જેવી ટેકનિકલ ખામીઓના કારણે રદ કરવામાં આવી છે. રત્નકલાકારોનું કહેવું છે કે, આજીવિકા માટે સંઘર્ષ કરતા આ વર્ગ માટે બાળકોનું શિક્ષણ અત્યંત મહત્વનું છે, ત્યારે આવી નાની ભૂલોને કારણે તેમને મોટી આર્થિક સહાયથી વંચિત રાખવા તે અન્યાય છે.
આવેદનપત્રમાં ડાયમંડ એસોસિએશને માંગ કરી છે કે, રત્નકલાકારોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર અને વહીવટી તંત્ર ‘માનવીય અભિગમ’ અપનાવે. જે અરજીઓમાં નાની-મોટી ભૂલો છે તેને ફરીથી તપાસવામાં આવે અથવા સુધારવાની તક આપવામાં આવે. જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે, તો અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની સહાયથી વંચિત રહી જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.
મંદીના માર વચ્ચે રત્નકલાકારો માટે આ સરકારી સહાય ખૂબ મોટો આધાર છે. ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે જો સરકાર આ મામલે પુનઃ તપાસ નહીં કરાવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ફરજ પડી શકે છે. હાલ તો કલેક્ટર તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર હજારો પરિવારોની મીટ મંડાયેલી છે.


