ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
અમદાવાદથી રાજકોટ સુધી પરીક્ષા કેન્દ્રો પર ઉત્સાહભર્યું વાતાવરણ : સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ રાત્રિના ઉજાગરા કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યભરની ફાર્મસી કોલેજોમાં ડિપ્લોમા બાદ ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે યોજાતી DDCET (ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલી આ પરીક્ષામાં રાજ્યના વિવિધ શહેરોમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના 10 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે કડક સુરક્ષા અને વ્યવસ્થાની વચ્ચે પરીક્ષા લેવાઈ હતી.
આ પરીક્ષા ડિપ્લોમા ફાર્મસી પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે જ વિદ્યાર્થીઓને ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યમાં આવેલી 100થી વધુ ફાર્મસી કોલેજોની અંદાજે 1200 બેઠકો માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે કુલ 341 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી માત્ર અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ 103 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ગભરાટ પણ જોવા મળી હતી. પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવાનો લક્ષ્યાંક હોવાથી તેઓ છેલ્લા એક મહિનાથી સતત મહેનત કરી રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓએ તો રાત્રિના ઉજાગરા કરીને તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા માટે પ્રવેશ પહેલાં તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને ઓરિજિનલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને માત્ર ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા અન્ય સામાન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો. પરીક્ષામાં કુલ 200 ગુણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં બેઝિક ઓફ ફાર્મસી તેમજ એપ્ટિટ્યુડ ટેસ્ટ આધારિત પ્રશ્નો સામેલ હતા. પ્રશ્નપત્રનું સ્તર ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ પેપર મધ્યમ સ્તરનું હોવાનું કહ્યું તો કેટલાકે સમય ઓછો પડ્યાની લાગણી વ્યક્ત કરી હતી.
અમદાવાદના પરીક્ષા કેન્દ્ર બહાર વાત કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા અમારા ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો એ સપનું છે. સારો રેન્ક મેળવવા માટે અમે ખૂબ મહેનત કરી છે.જ્યારે એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, પહેલી વખત આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહી હોવાથી થોડી ગભરાટ હતી, પરંતુ પ્રશ્નપત્ર સારું ગયું છે.
રાજકોટ સહિતના અન્ય કેન્દ્રો પર પણ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા. કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં ફાર્મસી ક્ષેત્રમાં સારો સ્કોપ હોવાથી વિદ્યાર્થીઓમાં આ કોર્સ માટે ભારે રસ જોવા મળી રહ્યો છે.
પરીક્ષા સંચાલકોના જણાવ્યા મુજબ, 10 મેના રોજ આન્સર કી ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ પોતાના જવાબોની ચકાસણી કરી શકે. ત્યારબાદ મે મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની તૈયારી છે. પરિણામ બાદ DDCET-2026ના ગુણોના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જૂન મહિનાના બીજા સપ્તાહથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ડિપ્લોમા પછી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની આવી કોમન પરીક્ષા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ બની રહી છે. સાથે સાથે ગુણ આધારિત પારદર્શક પ્રવેશ પ્રક્રિયા થવાથી યોગ્ય વિદ્યાર્થીઓને યોગ્ય તક મળી રહે છે. ફાર્મસી ક્ષેત્રમાં સતત વધી રહેલી માંગ અને મેડિકલ સેક્ટરમાં ઉભી થતી નવી તકોને કારણે યુવાનોમાં ફાર્મસી અભ્યાસક્રમ પ્રત્યે આકર્ષણ સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે પરીક્ષા પદ્ધતિમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે.હવે તમામ વિદ્યાર્થીઓની નજર પરિણામ અને મેરિટ યાદી પર મંડાઈ છે. ખાસ કરીને સરકારી અને પ્રતિષ્ઠિત ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ટોપ રેન્ક મેળવવાનો જંગ વધુ રસપ્રદ બન્યો છે.


