રાજુલાના તત્વો જયોતિ વિસ્તારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
સ્થાનિક પીઆઇ કામગીરી પર સવાલો! DYSP ની ટીમે રેડ પાડતા ખળભળાટ મચ્યો,
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડીવાયએસપી નયના ગોરડીયા દ્વારા દારૂના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુલા શહેરના તત્વો જ્યોતિ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર ડીવાયએસપીની ટીમે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ નિતિનભાઈ બોરીચા અને વિરાગભાઇ મહેતા પેટ્રોલિંગમાં હતાં. અને તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે તત્વજ્યોતિ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા ૨૦ લીટર તૈયાર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ ૫૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ ૪૦ લીટર દેશી દારૂ સાથે આરોપી જસીબેન બચુભાઇ ચૌહાણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પીઆઇની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સીધી જવાબદારી પીઆઇ પર રહે છે અને કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી સુધી પહોંચવું પડે તે રાજુલા પોલીસ માટે શરમજનક સ્થિતિ ગણાઇ રહી છે.
રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પીઆઇની નિમણૂક હોવા છતાંપણ છેક ડીવાયએસપી કક્ષાના અધિકારીએ રેડ પાડવી પડી તે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક પોલીસના નાકની નીચે જ દારૂનું વેચાણ થતું હોવા છતાં પી.આઈ. અજાણ કેમ હતા? શું સ્થાનિક પોલીસ જાણી જોઈને આંખ આડા કાન કરી રહી હતી? ડીવાયએસપીની આ સફળ કાર્યવાહી બાદ સ્થાનિક પીઆઈ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
માત્ર AC ચેમ્બરમાં બેસીને ખુરશી ગરમ કરવી કે શહેરમાં ચાલતા ગુનાહો પર નજર રાખવી? જો ડીવાયએસપી ની ટીમ બાતમીના આધારે સીધી કાર્યવાહી કરી શકે તો સ્થાનિક પીઆઇ આ ગેરકાયદેસર ધંધાઓ પરની જાણ કેમ ન હતી. પીઆઇ જવાબદારી માત્ર સ્ટેશન ચલાવવાની નથી પરંતુ પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતિઓ દારૂ, જુગાર, ખનન સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ બંધ કરવવાની પણ હોય છે. આ ડીવાયએસપીની ટીમની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો ગુનાહો પર રોક લગાવી શકાય. હવે જરૂર છે કે સ્થાનિક પીઆઇ પોતાની જવાબદારી સમજે અને મેદાનમાં ઉતરીને દારૂના દૂષણથી મુક્ત કરવા કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.


