ચૂંટણી પૂર્ણ થતા હવે પ્રજાના ચકેડા ફરશે
PGVCL દરરોજના ૧૦,૦૦૦ સ્માર્ટ મિટર લગાવશે
અગાઉ દૈનિક 3૦૦૦ મીટર લગાવાતા હતા, ૨૦૨૪થી શરૂ થયેલી કામગીરી ૧૦ ટકાએ પહોંચી ૬.૧૪ લાખ ગ્રાહકોને ત્યાં ફિટ થયા મીટર
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીમાં જે ‘બ્રેક’ લગાવવામાં આવી હતી, તે હવે હટાવી લેવામાં આવી છે. અત્યાર સુધી દરરોજ અંદાજે 3,000 મીટર લગાવાતા હતા, જેનો લક્ષ્યાંક હવે વધારીને દૈનિક 10,000 કરવામાં આવ્યો છે. 2024માં શરૂ થયેલી આ કામગીરી દોઢ વર્ષમાં માંડ 10% જ પૂર્ણ થઈ શકી છે, પરંતુ હવે PGVCL દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવાનું આયોજન કરાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડી સિવાયના કુલ 56.92 લાખ રહેણાંક ગ્રાહકો છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 6.14 લાખ ગ્રાહકોને ત્યાં જ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થયા છે. શરૂઆતમાં મીટર ફાસ્ટ ચાલતા હોવાની અને બિલ વધુ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, વીજ કર્મચારીઓ દ્વારા બળજબરી કરાતી હોવાના આક્ષેપો વચ્ચે ચૂંટણીમાં કોઈ વિવાદ ન સર્જાય તે હેતુથી કામગીરી અટકાવી દેવાઈ હતી. જોકે, ચાલુ માસથી ફરી આ પ્રક્રિયા ઝડપી બનાવાશે તેવુ PGVCLના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જાહેર કરાયું છે.
પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું કે, સ્માર્ટ મીટર નાખવાનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત છે અને તેનું રાજ્ય સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. હાલ ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલી છે. અપર્વા અને ભારત ગ્રીન દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવવા બાબતે ગ્રાહકોમાં એક ગેરસમજ છે કે સ્માર્ટ મીટર ફાસ્ટ ચાલે છે અને તેનાથી કંપનીનો ફાયદો છે, પરંતુ સ્માર્ટ મીટરથી માત્રને માત્ર ગ્રાહકને ફાયદો છે. સ્માર્ટ મીટર લગાવવાથી વોલ્ટેજમાં ફ્લકચુએશન, લોડ બેલેન્સિંગ અને ફોલ્ટ સર્જાય ત્યારે ગ્રાહકોને ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તેને બદલે અહીંના સ્કાડા સેન્ટર ઉપર નોંધ લેવાઈ જાય છે.
આ સાથે જ તેમને જણાવ્યું કે, જે લોકો સ્માર્ટ મીટર લગાવે છે તેઓને સવારે 11થી સાંજે 5 વાગ્યાના પિક અવર્સમાં યુનિટ દીઠ 60 પૈસા રિબેટ આપવામાં આવે છે. એટલે કે બિલમાં 33% જેટલો ફાયદો થઈ જાય છે. હાલમાં અમે બંને એજન્સીઓ મારફત ડોર-ટુ-ડોર ઓપન એક્સેસ કરેલું છે. દરરોજ 3000 જેટલા સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દૈનિક 10,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવે તે પ્રકારનું પીજીવીસીએલનું આયોજન છે.
તેમણે જણાવ્યું કે, હજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 45 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાના બાકી છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મોબાઇલ એપ્લિકેશનથી તેનું જોડાણ સ્કાડા સાથે થાય છે. અત્યાર સુધીમાં છ લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે તેની ઓનલાઈન સિસ્ટમ દ્વારા તેનું કનેક્શન થતું ન હતું, જેને કારણે ગ્રાહકોને સમયસર વીજ બિલ મળતું ન હતું. આ દરમિયાન ચેક સ્માર્ટ મીટર કોમ્યુનિકેટ ન હતા. જેથી અમે એજન્સીઓને કહ્યું કે, સૌથી પહેલા ક્વોલિટી વર્ક કરો અને તેને સિસ્ટમ સાથે જોડો, જેથી ગ્રાહકોને મુશ્કેલી ન પડે.


