સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો
ગૃહિણીઓ માટે રસોડાના બજેટમાં મોટી રાહત : સુરત તેલ એજન્સીનો દાવો
અગ્ર ગુજરાત, સુરત
મોંઘવારીના જમાનામાં જ્યારે ગેસ, દૂધ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા ચિંતિત છે, ત્યારે ખાદ્યતેલના ભાવ વધારાની ચર્ચાઓએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા અને બજારમાં તેલ મોંઘું થવાની આશંકા વચ્ચે સુરતના તેલ વેપારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. પીએમ મોદી દ્વારા તેલનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ બાદ ફેલાયેલી અફવાઓ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં તેલ એજન્સીના માલિકોએ ગ્રાહકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, હાલ ખાદ્યતેલના ભાવ વધવાના કોઈ જ સંકેતો નથી. બજારમાં તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ જ ખામી નથી. લોકોમાં એવી ચર્ચા હતી કે ટૂંક સમયમાં ડબ્બાના ભાવ આસમાને પહોંચશે, પરંતુ વેપારીઓના મતે અત્યારે ડરવાની કોઈ જરૂર નથી. છેલ્લા કેટલાક સમયમાં તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
ભાવ વધારાની બૂમરાણ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે, સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એજન્સી માલિકના જણાવ્યા અનુસાર, સિંગતેલના ભાવમાં આશરે રૂ. 250 સુધીનો ઘટાડો થયો છે. આ ઘટાડો તેલના શોખીન ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર છે. અન્ય બ્રાન્ડ્સ અને તેલના પ્રકારોમાં પણ હાલ કોઈ તેજી જોવા મળી રહી નથી, જે ગૃહિણીઓ માટે રસોડાના બજેટમાં મોટી રાહત સમાન છે.
વેપારીઓએ સ્પષ્ટતા કરી છે કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે, તો માત્ર પરિવહન ખર્ચને કારણે તેલના ડબ્બા દીઠ રૂ. 5 થી 25નો નજીવો વધારો થઈ શકે છે. આ સિવાય જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરે તો જ ભાવ વધી શકે, પરંતુ હાલના તબક્કે ડ્યુટી વધે તેવી કોઈ શક્યતા જણાતી નથી. તેથી, તેલના મૂળ ભાવમાં કોઈ મોટો ઉછાળો આવવાની શક્યતા હાલમાં દેખાતી નથી.
બજારમાં તેલની કોઈ જ અછત નથી, તમામ બ્રાન્ડનું તેલ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે. પીએમ મોદીએ તેલનો ઉપયોગ સાચવીને કરવાની જે અપીલ કરી હતી, તે કરકસર અને સ્વાસ્થ્યના સંદર્ભમાં હતી, તેને અછત સાથે સાંકળવી જોઈએ નહીં. તેલ એજન્સીઓએ લોકોને વિનંતી કરી છે કે ભાવ વધી જશે તેવા ડરથી બિનજરૂરી તેલનો સંગ્રહ ન કરે. ખોટી અફવાઓને કારણે બજારમાં કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે જાગૃત રહેવું જરૂરી છે.


