20 લાખની લાંચ કેસમાં CGST સુપ્રિટેન્ડેન્ટની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
કન્સલ્ટન્ટ મારફત લેવાયેલી લાંચના રેકોર્ડેડ વાર્તાલાપને કોર્ટે ગણ્યો મહત્વપૂર્ણ પુરાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં CGST વિભાગના સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમાર સામે નોંધાયેલા રૂ.20 લાખની લાંચ કેસમાં ખાસ અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય આપતા તેમની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. ખાસ અદાલતના જજ આઈ.બી. પઠાણે કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી, આરોપી અધિકારી અને કન્સલ્ટન્ટ વચ્ચે થયેલા ટેલિફોનીક વાર્તાલાપને પ્રાથમિક દૃષ્ટિએ મહત્વનો પુરાવો ગણાવ્યો હતો.
કેસ મુજબ, ફરિયાદી સામે GST કાયદા હેઠળ ચાલી રહેલી અરજી અને ગેરરીતિની તપાસમાં કડક કાર્યવાહી તથા મોટો દંડ ન થાય તે માટે સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમારે રૂ.25 લાખની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ રકમ GST કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા મારફત રૂ.20 લાખમાં નક્કી થઈ હતી.
ACB તપાસ મુજબ, 29 એપ્રિલ 2026ના રોજ ફરિયાદીના કન્સલ્ટન્ટની ઓફિસ ખાતે આ રકમ સ્વીકારવા માટે આકાશ કલોલીયાને મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીના સંકેત બાદ ACBની ટીમે ટ્રેપ ગોઠવી કન્સલ્ટન્ટને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન થયેલા ટેલિફોનીક સંવાદના રેકોર્ડિંગના આધારે જ ટ્રેપ સફળ બનાવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીની ધરપકડ કાનૂની રીતે યોગ્ય નથી, કારણ કે લાગુ પડતી જોગવાઈઓમાં સજાની મર્યાદા સાત વર્ષથી ઓછી છે. વધુમાં, ટેલિફોનીક વાતચીતમાં આરોપીએ કન્સલ્ટન્ટને રકમ નક્કી કરવાનો અધિકાર નથી એવું સ્પષ્ટ કહ્યું હોવાનું પણ રજૂ કરાયું હતું.
જોકે, સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કેસ માત્ર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-7 પૂરતો સીમિત નથી, પરંતુ કલમ-13 પણ લાગુ પડે છે, જેમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે. સરકાર પક્ષે વધુમાં જણાવ્યું હતું કે બચાવ પક્ષે સાત પાનાના સંવાદમાંથી એક વાક્ય અલગ પાડી ભ્રામક રીતે રજૂ કર્યું છે, જ્યારે સમગ્ર વાર્તાલાપ વાંચતા લાંચની રકમ અંગેની ચર્ચા સ્પષ્ટ દેખાઈ આવે છે. કોર્ટે નોંધ્યું હતું કે જો આ રકમ દંડ તરીકે લેવાઈ રહી હોત તો રાત્રિના સમયે ગુપ્ત રીતે રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી ન હોત. તમામ પાસાઓને ધ્યાનમાં લઈને ખાસ અદાલતે મુકેશકુમાર મનબોધકુમારની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.


