કાળીપાટ દૂધ ટેમ્પો દુર્ઘટનામાં વધુ એક મોત: મૃત્યુ આંક 3 થયો
30 એપ્રિલની ગોઝારી ઘટનામાં ઇજા પહોચતા સારવાર દરમ્યાન દમ તોડ્યો, પત્ની અને ચાર સંતાનો હજુ સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
કાળીપાટ નજીક 30 એપ્રિલે સર્જાયેલા દૂધના ટેમ્પાના ગંભીર અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર ઘટનાએ ફરી કરુણ વળાંક લીધો છે. સારવાર હેઠળ રહેલા સુરતના અનિલભાઈ ધીરુભાઈ ચોવસીયાએ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે ત્રણ થઈ ગઈ છે.
આ ગોઝારા અકસ્માતમાં અગાઉ દહીંસરા ગામના ભીમાભાઈ અમરશીભાઈ મકવાણાનું બનાવના દિવસે જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 6 મેના રોજ સુરેશભાઈ ઉર્ફે સૂરજભાઈ ઉધરેજાનું પણ સારવાર દરમિયાન અવસાન થયું હતું. હવે અનિલભાઈના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વધુ ઘેરી બની છે.
માહિતી મુજબ, 30 એપ્રિલે જીજે-03-BY-5551 નંબરનું મીની આઈસર પ્રકારનું માલવાહક વાહન દૂધના કેન તેમજ મુસાફરોને લઈને પસાર થઈ રહ્યું હતું. ત્યારે હાઈવે પર અચાનક એક કારચાલકે યુ-ટર્ન લેતા ટેમ્પો ચાલકે વાહન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલ્ટી મારી ગયું હતું અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતમાં અનિલભાઈ ચોવસીયા, તેમની પત્ની અંજલીબેન તથા ચાર સંતાનો સહિત કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અનિલભાઈ શરૂઆતમાં ખાનગી હોસ્પિટલ તથા ઘરે સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તબિયત વધુ લથડતાં તેમને અને તેમની પુત્રીને ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
મૂળ જસદણ તાલુકાના દહીંસરા ગામના વતની અને હાલ સુરતના આમરોલી વિસ્તારમાં રહેતા અનિલભાઈનો પરિવાર થોડા દિવસો પહેલા ભાડલા ગામે આવેલા અંજલીબેનના પિયરમાં આવ્યો હતો. ત્યાંથી તેઓ બાળકો સાથે રાજકોટ આવવા નીકળ્યા હતા અને ત્યારબાદ ખાનગી બસ મારફતે સુરત જવાનું આયોજન હતું. પરંતુ કાળીપાટ પાસે સર્જાયેલા અકસ્માતે હસતો-રમતો પરિવાર હોસ્પિટલના બિછાનાં સુધી પહોંચી ગયો હતો.
હાલ અનિલભાઈની પત્ની અને બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવાર અને વતન ગામમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.


