વિદ્યાર્થીઓની વિગતો AI પર અપલોડ કરતા પહેલા વાલીની મંજૂરી ફરજીઆત
પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરિપત્ર: ડેટાનો ઉપયોગ માત્ર ચોક્કસ હેતુ માટે જ કરવા નિર્દેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. AI આધારિત પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત અને પ્રોસેસ કરવામાં આવતો હોવાથી હવે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શાળાઓ માટે કડક માર્ગદર્શિકા અમલમાં મુકાઈ છે.
પરિપત્ર મુજબ અમેરિકાની AI કંપની એન્થ્રોપિક અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત ‘પ્રથમ’ સંસ્થા વચ્ચે થયેલા સહયોગના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને મળેલી માહિતી મુજબ કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના ડેટાનો સંગ્રહ અને વિશ્લેષણ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે Digital Personal Data Protection Act-2023 હેઠળ તમામ શાળાઓને બાળકોના ડેટાની ગોપનીયતા અને સુરક્ષા જાળવવા ફરજિયાત સૂચનાઓ આપી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરી તમામ DEO અને શાસનાધિકારીઓને આદેશ કરાયો.
બાળકોના વ્યક્તિગત ડેટાની સંવેદનશીલતાને ધ્યાને લેતા તથા શૈક્ષણિક વ્યવસ્થામાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઈડ તથા ખાનગી શાળાઓમા શાળાઓમાં બાળકોના કોઈપણ પ્રકારના વ્યક્તિગત ડેટાની સંગ્રહ, પ્રક્રિયા કે વહેંચણી કરતી પ્રવૃત્તિઓ માટે Digital Personal Data Protection Act, 2023 (DPDP Act) માર્ગદર્શિકાઓની જોગવાઈઓનું સખત પાલન કરવામાં આવે તેની ખાતરી કરવી આવશ્યક છે.
સરકારે NGO, ટેક્નોલોજી ભાગીદારો અને અન્ય સેવા પ્રદાતાઓ સાથે થયેલા તમામ MoU અને કરારોની પણ સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. તેમાં ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત જોગવાઈઓ સ્પષ્ટ રીતે સમાવિષ્ટ હોવી જરૂરી ગણાવવામાં આવી છે. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીઓને તમામ શાળાઓમાં આ નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


