જનગણનાની ફરજમાં ગયેલી મહિલા શિક્ષિકાનો અર્ધનગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
ધોળકાના શેખડી નજીક પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી મળી લાશ : હત્યા કરાઇ હોવાની શંકા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેલિયા વાસણા અને શેખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક મહિલા શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ઘાતકી હત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ છે. તેઓ મૂળ બદરખા ગામના વતની હતા અને હાલ ધોળકાના કલીકુંડ સ્થિત બાલાજી સ્ક્વેર ખાતે પરિવાર સાથે રહેતા હતા. રીનાબેન ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગયા હતા. જો કે, મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી, જેના પગલે પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હત્યારો અજાણ્યો ઈસમ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
એક શિક્ષિકા અને બે બાળકોની માતાની આ પ્રકારે નિર્મમ હત્યા થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અજાણ્યા હત્યારાનું પગેરું મેળવવા માટે ધોળકા પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને FSLની ટીમોને ઘટનાસ્થળે બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
હાલમાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રીનાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને આ ગુના પાછળ કોનો હાથ છે, તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


