સુરક્ષીત માહોલ રાખવો સરકાર હરકતમાં
NEET-UGની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનાર અધિકારીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા
તા.૨૧ જૂને પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી આઇસોલેશનમાં રખાશે : મોબાઇલ લઇ લેવાયા અને ઇન્ટરનેટના ઉપયોગ પર મનાઇ : દેશના ૫૫૧ શહેરોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
મે મહિનામાં લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, હવે સરકારે આગામી રી-ટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આ વખતે પરીક્ષાની આખી સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા પ્લાન મુજબ, NEET-UG 2026ની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનારા, તેની તપાસ કરનારા અને તેનું ભાષાંતર કરનારા તમામ નિષ્ણાતો અને સ્ટાફને એક ગુપ્ત અને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવાયા છે.
આ બધા લોકોને ત્યાં સંપૂર્ણપણે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જેથી બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક સાવ કપાઈ જાય. પેપર સેટિંગ પ્રક્રિયાનું આ ‘લોકડાઉન’ આગામી જૂન 21ના રોજ પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પ્રશ્નપત્ર તૈયાર કરવાના ગુપ્ત કામ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ હાલ કડક દેખરેખ હેઠળ એક સુરક્ષિત જગ્યાએ રોકાયા છે. સુરક્ષાના પહેલા સ્તર (First Layer) તરીકે તેમની પાસે રહેલા મોબાઇલ ફોન, લેપટોપ કે અન્ય પર્સનલ કોમ્યુનિકેશન ડિવાઇસના વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં, સ્માર્ટવોચ જેવા ડિજિટલ ગેજેટ્સ રાખવાની પણ મનાઈ છે.
ઇન્ટરનેટ અને બહારના લોકો સાથે વાત કરવા પર ચુસ્ત નિયંત્રણો છે. આ બિલ્ડિંગમાં માત્ર મંજૂરી મેળવેલા લોકોને જ એન્ટ્રી મળે છે અને અંદર આવવા-જવા વાળા દરેક વ્યક્તિની કડક નોંધ રાખવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 21 જૂનના રોજ બપોરે 2 pmથી સાંજના 5.15 pm દરમિયાન પેન અને પેપર મોડમાં આ રી-એક્ઝામ લેવાશે, જે ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં યોજાવાની છે.
પેપર પહોંચાડવા આઇએએફના વિમાનનો ઉપયોગ
આ વખતના કડક આયોજનમાં પેપર લીક થતું અટકાવવા માટે આખી પ્રક્રિયાને નાના-નાના ભાગોમાં વહેંચી દેવામાં આવી છે, જેથી કોઈ એક વ્યક્તિ કે ગ્રૂપ પાસે તેની પૂરેપૂરી માહિતી ન રહે. પેપર તૈયાર કરવાથી લઈને તેના પ્રિન્ટિંગ, પેકિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન (એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા) સુધીના દરેક તબક્કે દેખરેખ વધારી દેવાઈ છે. ખાસ કરીને પ્રશ્નપત્રોને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે સરકાર ઇન્ડિયન એરફોર્સ(IAF)ના વિમાનોનો ઉપયોગ કરવા પર પણ વિચાર કરી રહી છે.
સોશ્યલ મીડિયા રડારમાં
ઇન્ટરનેટની દુનિયા પર પણ 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે, જેથી કોઈ નકલી પ્રશ્નપત્રો વાઇરલ ન કરી શકે, ખોટી અફવાઓ ન ફેલાવી શકે કે કોઈ ખોટું કામ ન કરી શકે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ અધિકારીઓને કડક સૂચના આપી છે કે અગાઉની પરીક્ષામાં જે પણ ખામીઓ રહી ગઈ હતી, તેને આ વખતે ગમે તે ભોગે દૂર કરવામાં આવે.


