ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં મંજૂર થયેલા રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ
રસ્તો સાંકળો થતાં રહીશોને ભારે હાલાકી, તાત્કાલિક પગલાં લેવા સ્થાનિક લોકોની ચીફ ઓફિસર સમક્ષ માંગ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરના વોર્ડ નંબર બે માં આવેલ દ્વારકાધીશ સોસાયટીના ખાખીજાળીયા રોડ આસપાસ વિસ્તારના સ્થાનિક લોકોની લેખિત ફરિયાદ પરથી મળતી માહિતી અનુસાર, ઉપલેટા શહેરમાં ખાખીજાળીયા રોડ પર આવેલી દ્વારકાધીશ સોસાયટીના સ્થાનિક લોકો અને રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક ગંભીર બાબતે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ રજૂઆત મુખ્યત્વે સોસાયટીના મંજૂર થયેલા બિનખેતી (એન.એ.) લે-આઉટ પ્લાનમાં દર્શાવેલા જાહેર રસ્તા પર કેટલાક ઈસમો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામને અટકાવવા અંગેની છે.
સોસાયટીના સ્થાનિક લોકો અને રહીશોના જણાવ્યા મુજબ, રાજકોટ કલેક્ટરના હુકમથી વર્ષ ૨૦૧૦ અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં સર્વે નંબર ૫૩૨ પૈકી ૧ પૈકી ૨ અને ૫૩૧ પૈકીની જમીનોને બિનખેતીમાં ફેરવવાની કાયદેસરની મંજૂરી આપવામાં આવી હતી. આ સત્તાવાર રીતે મંજૂર થયેલા લે-આઉટ પ્લાન મુજબ પૂર્વથી પશ્ચિમ તરફ પસાર થતો ૭.૫૦ મીટર પહોળાઈનો જાહેર રસ્તો દર્શાવવામાં આવેલો છે. પરંતુ, હાલના સમયમાં પ્લોટ નંબર ૩૪ થી ૪૦ ની આસપાસ ભવદીપભાઈ નારણભાઈ ચંદ્રવાડીયા દ્વારા પાયા છાપીને બાંધકામ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ સંજયભાઈ બોરખતરીયા દ્વારા પ્લોટિંગ કરીને હદનિશાન કરવામાં આવ્યા છે, જે સીધી રીતે આ ૭.૫૦ મીટરના રસ્તાની જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરી રહ્યા છે.
આ રસ્તો દ્વારકાધીશ સોસાયટીના રહીશો માટે ઉપલેટા-ખાખીજાળીયા મેઈન રોડ સુધી પહોંચવા માટેનો એકમાત્ર ઉપલબ્ધ માર્ગ છે. રસ્તાની બંને બાજુથી દબાણ થવાના કારણે રસ્તો અત્યંત સાંકળો થઈ ગયો છે, પરિણામે રહીશોને વાહનો લઈને પસાર થવામાં અને રોજિંદા આવાગમનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને રહીશોએ દબાણકર્તાઓને મૌખિક સમજાવટ કરી હોવા છતાં તેઓએ પોતાની મનમાની ચલાવીને બાંધકામની તૈયારીઓ ચાલુ રાખી છે.
આ ગંભીર અને વિકટ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક લોકો અને રહીશોએ ‘ધી ગુજરાત મ્યુનિસિપાલીટી એક્ટ-૧૯૬૩’ ના પ્રકરણ ૧૧ ની કલમ ૧૪૬ થી ૧૫૯ માં આપેલી જોગવાઈઓનો સ્પષ્ટ હવાલો આપીને ચીફ ઓફિસરને તેમની સત્તાનો ઉપયોગ કરી કડક પગલાં લેવા વિનંતી કરી છે. સ્થાનિક લોકોની મુખ્ય માંગણી એ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, દબાણકર્તાઓએ બાંધકામ અંગેની રજા ચિઠ્ઠી કે સબ-પ્લોટિંગની મંજૂરી લીધી છે કે કેમ તેની ઝીણવટભરી ખરાઈ કરવામાં આવે. જો ગેરરીતિ માલુમ પડે તો ગેરકાયદેસર બાંધકામ અટકાવી, દબાણ દૂર કરી અને રસ્તાને તેની મૂળ ૭.૫૦ મીટરની પહોળાઈ મુજબ તાકીદે ખુલ્લો કરવામાં આવે. આ લેખિત ફરિયાદની જાણકારી અને સઘન કાર્યવાહી અર્થે યોગ્ય રજુઆત ઉપલેટા મામલતદાર, ધોરાજી નાયબ કલેક્ટર અને રાજકોટ કલેક્ટરને પણ મોકલવામાં આવી છે.


