સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ
ધોરાજીમાં સીસી રોડના કામોમાં ટેન્ડરની શરતો અને તકનીકી સ્પેસિફિકેશનનો ભંગ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી. ધોરાજી નગરપાલિકા હસ્તક ચાલી રહેલા સીસી રોડના કામોમાં ટેન્ડરની શરતો અને તકનીકી સ્પેસિફિકેશનનો ભંગ થતો હોવા અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી
ધોરાજી સીટીઝન કાઉન્સિલના પ્રમુખ દિલીપભાઈ ગેરીયા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયા મગનભાઈ સાઇપરિયા રમેશભાઈ રોકડ રાજુભાઈ યાદવ વજુભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ શ્રીમતી વિરલબેન પારેખ દિલીપભાઈ હોતવાણી વિગેરે સિટીઝન કાઉન્સિલ ના હોદ્દેદાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા હસ્તક વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા તેમજ પૂર્ણ થયેલા સીસી રોડના કામોમાં ટેન્ડરની શરતો, મંજૂર સ્પેસિફિકેશન તથા ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવે છે. જેના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થવાની તેમજ રોડની ગુણવત્તા અને આયુષ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.
ટેન્ડર મુજબ WBM માટે 150 મીમી જાડાઈમાં 40 થી 63 મીમી સાઈઝની મેટલ યોગ્ય લેવલમાં પાથરી ત્યારબાદ 8 થી 10 ટન ક્ષમતાના વાઇબ્રેટિંગ રોલર દ્વારા પૂરતું રોલિંગ તથા પાણીનો ઉપયોગ કરી કોમ્પેક્શન કરવાનું હોય છે. પરંતુ અનેક સ્થળોએ મેટલ યોગ્ય રીતે પાથરવામાં આવતી નથી તેમજ રોલિંગ અને વોટરિંગની કામગીરી કરવામાં આવતી નથી.
ટેન્ડરની જોગવાઈ મુજબ નિર્ધારિત પ્રમાણમાં સિમેન્ટ, રેતી અને 40 મીમી કાકરીનો ઉપયોગ થવો જરૂરી છે. પરંતુ કામમાં જરૂરી પ્રમાણ કરતાં ઓછી સિમેન્ટ વાપરવામાં આવતી હોવાની શંકા છે. વધુમાં કોંક્રિટમાં ક્રેશર પાવડર (પથ્થરની ધૂળ)નો અતિરેક ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે કોંક્રિટની ગુણવત્તા ઘટે છે. તેમજ નિર્ધારિત જાડાઈ મુજબ કોંક્રિટ પાથરવામાં આવતું નથી અને અનેક સ્થળોએ ઓછી જાડાઈમાં કામ પૂર્ણ કરવામાં આવે છે.
ટેન્ડર મુજબ રોડના ઉપરના સ્તરમાં 6 ઇંચ જાડાઈનું M-200 ગ્રેડનું કોંક્રિટ મંજૂર મિક્સ ડિઝાઇન મુજબ તૈયાર કરવાનું હોય છે. તેમાં સિમેન્ટ, રેતી અને કાકરીનું પ્રમાણ મંજૂર ડિઝાઇન મુજબ વજન કરી અથવા મંજૂર મિક્સ ડિઝાઇન પ્રમાણે વાપરવાનું હોય છે. પરંતુ વાસ્તવમાં તે મુજબનું પાલન થતું ન હોવાનું જણાય છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કામોના બિલની ચુકવણી અટકાવવામાં આવે. તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશો તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી.


