નવી ટ્રેનોની સુવિધા હજુ લટકી રહી છે ત્યાં વધુ એક ઝટકો
રાજકોટ પાસેથી સોમનાથ જતી વંદે ભારતની સુવિધા છીનવાઇ
સાબરમતી-વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનના રૂટમાં રેલવે મંત્રાલય દ્વારા ફેરફાર : હવે બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ પર દોડશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે. પ્રવેશ દ્વાર સમાન શહેરને વંદે ભારત ટ્રેન જેવી સુવિધાથી વંચિત રાખવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા સાબરમતી-વેરાવળ રૂટ પર દોડતી વંદે ભારત એકસપ્રેસના રૂટમાં ફેરફાર થતા રાજકોટ પાસેથી આ સુવિધા છીનવાઇ ગઇ છે. આ ફેરફારથી રાજકોટના મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.
ગુજરાતમાં રેલવે મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદને સોમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ સાથે જોડતી પ્રતિષ્ઠિત સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં રેલવે મંત્રાલય દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે ટ્રેનનો રૂટ બદલાતા મુસાફરોને નવી સુવિધા મળશે.
હાલમાં આ ટ્રેન વિરમગામ-સુરેન્દ્રનગર-રાજકોટ-જેતલસર-જૂનાગઢ થઈને દોડે છે, પરંતુ હવે રેલવે દ્વારા મંજૂરી મળ્યા બાદ આ સેમી-હાઈસ્પીડ ટ્રેન બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ પર દોડશે.
ફેરફારને કારણે અમદાવાદ જિલ્લાના મુસાફરોને ખાસ કરીને ફાયદો થશે, કારણ કે હવે આ ટ્રેન ગાંધીગ્રામ અને ધોળકા સ્ટેશનો પર પણ રોકાશે. આ ઉપરાંત, વંદે ભારત એક્સપ્રેસના નેટવર્કમાં હવે ધંધુકા, બોટાદ, ઢોળા અને ઢસા જેવા નવા સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ વિસ્તારના લોકો માટે મોટી રાહત સાબિત થશે.
નવા સમયપત્રક મુજબ
- ટ્રેન નંબર 26901 (સાબરમતી-વેરાવળ વંદે ભારત): આ ટ્રેન સાબરમતીથી સવારે 06:00 વાગ્યે ઉપડશે. આ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ઢોળા, ઢસા અને જૂનાગઢ થઈને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે.
- ટ્રેન નંબર 26902 (વેરાવળ-સાબરમતી વંદે ભારત): પરત મુસાફરીમાં આ ટ્રેન વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને તમામ સ્ટોપેજ પર રોકાઈને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.
અમલીકરણ અંગેની જાણકારી
રેલવે બોર્ડ તરફથી પશ્ચિમ રેલવેને આ બદલાવ અંગેની સત્તાવાર સૂચના મળી ગઈ છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) અથવા બુકિંગ ન થયેલ તારીખથી લાગુ કરવામાં આવશે. હાલમાં આ ફેરફારો IRCTCની વેબસાઈટ પર અપડેટ થયા નથી, પરંતુ ટૂંક સમયમાં તે જોવા મળશે. રેલવે તંત્રને આ રૂટ અંગે મુસાફરોમાં વધુમાં વધુ પ્રચાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.


