સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનેકવિધ માનવતાલક્ષી કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
એક વર્ષ પહેલા અમદાવાદની વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા રાજકોટના સપૂત અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન સંસ્થાએ અનેક સેવા કાર્યો કરીને તેમને ભાવાંજલિ આપી હતી.
જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ કહ્યુ હતું કે, વિજયભાઈ રૂપાણી એક મહાન વ્યક્તિત્વ હતા અને તેમની ખોટ ક્યારેય નહીં પુરાય. તેમના સ્મરણાર્થે જૈન વિઝન સંસ્થા દ્વારા ભજન, ભોજન, ભક્તિ, જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યો વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા. તા.12મીને શુક્રવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ સેવા કાર્યો દરમિયાન પ્લેન ક્રેશમા અવસાન પામેલા હ્રદયસ્થ સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત દિવગંત આત્માઓને સાચા અર્થમાં સ્મરણાંજલિ પાઠવવામાં આવી હતી. સવારે રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ પૌષધ શાળા ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવ્યુ હતું.. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ પ્રભાવના પણ આપવામાં આવી હતી.
આ તકે રૂપાણી પરિવારમાંથી અંજલીબેન રૂપાણી, મેયર નેહલભાઈ શુક્લ,ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઋષભ વિજયભાઈ રૂપાણી, જૈન અગ્રણી સી.એમ.શેઠ, અંશ અભયભાઈ ભારદ્વાજ, કાશમીરાબેન નથવાણી સહીતના આગેવાનો જૈન વિઝન દ્વારા યોજાયેલ વિવિધ આયોજનમા નવકાર જાપ અને અન્ય જીવદયા, માનવતા કાર્યમાં સહભાગી બનેલ હતા.
જૈન વિઝન મહિલા વીંગ દ્રારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કીલો લાડવા તથા પારેવાને ચણ ૧૦૦ કિલો અર્પણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પૂ.ધીર ગુરુદેવ દ્રારા નિર્મિત વિરાણી મૂક- બુધિર શાળા સંસ્થાના દિવ્યાંગ બાળકોને જૈન વિઝન દ્વારા મિષ્ટ ભોજન કરાવાયુ હતુ તથા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રોટી અભિયાનમાં એક દિવસનો લાભ લઈ ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ભોજન કરાવવામાં જૈન વિઝન મદદરૂપ બન્યુ હતું.
પૂ.ગુરુદેવ પારસ મુનિ મ.સા. પ્રેરિત જૈન ભોજનાલયમાં એક દિવસ દરેકને ભોજન કરાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જરુરીયાતમંદ નિર્ધારિત લોકોને ભોજન તેમજ ટિફિન પાર્સલ પહોંચાડીને સેવા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં દીન – દુ:ખીયા લોકોની જઠરાગ્નિ ઠારવામાં ટિમ જૈન વિઝન નિમિત્ત બની હતી. તેમજ જીવદયા રક્ષક સમીતા દ્વારા ચાલતી લોકોને શીતળતા પહોંચાડતી છાસ વિતરણ પણ આયોજન જૈન વિઝન દ્વારા કે કે વી ચોક કલાવડ રોડ પાસે કરવામાં આવેલ હતું. આમ, સ્વ. વિજયભાઈ અને અન્ય દિવંગતોના સ્મરણાર્થે જૈન વિઝન દ્વારા સેવા કાર્યોની હારમાળા યોજાઈ હતી અને આ રીતે તમામ મૃતાત્માઓને ભાવાંજલિ આપવામાં આવી હતી.


