વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી
સ્થાનિકોએ જહેમત ઉઠાવી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ગટરોની સફાઈ બાદ તેને ફરીથી ઢાંકવામાં પાલીકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરની મોટી શાક માર્કેટ નજીક જલારામ મંદિર પાસે ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં એક અબોલ ગાય ખાબકતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગટર સફાઈના કામ માટે ખોલવામાં આવેલી આ ગટર છેલ્લા દસેક દિવસથી ખુલ્લી જ પડેલી છે. દરમ્યાન ગાય ગટરમાં પડી જતાં આસપાસ શાકભાજી વેચતા યુવાનો અને સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ઘટનાનો વીડિયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા તંત્રની બેદરકારીના કારણે ગાય, કૂતરા સહિતના અબોલ પશુઓ વારંવાર આ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે. સમયસર લોકોના ધ્યાને આવતાં તેમનો જીવ બચાવી લેવામાં આવે છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી જરૂરી બની છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ખુલ્લી ગટર માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ રાહદારીઓ, વૃદ્ધો અને બાળકો માટે પણ ગંભીર જોખમરૂપ છે. ખાસ કરીને વરસાદી માહોલમાં પાણી ભરાઈ જતાં ગટર દેખાતી ન હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ જવાબદાર પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક ખુલ્લી ગટરને સુરક્ષિત રીતે ઢાંકી માનવજીવન તેમજ અબોલ પશુઓની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે.


