માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત
અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે મુસ્લિમ આધેડ ને બૂલેટ ચાલકે ઉડાવી દેતા મોત નિપજ્યું હતુ. હુસેનાબાદના હારૂનભાઈ પીરજી ને ચોરવાડ બાજુથી બેફામ રીતે આવતી બુલેટે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે રહેતા હારૂનભાઈ દાઉદ પીરજી ઉર્ફે તોલિયા (ઉ.વ.50) , શાદી પ્રસંગમાં ગયા હોય ત્યાથી પગપાળા પરત ફરી રહ્યા હતા ત્યારે વેરાવળ રોડ પર ચોરવાડ બાજુથી બેફામ રીતે આવતી બુલેટ ચાલકે ધડાકાભેર તેમને ઉડાવી દેતા હારૂનભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના પગ, હાથ અને માથામાં ગંભીર રીતે ફેકચર થયા હતા. જ્યારે બૂલેટની અતિશય ગતિના લિધે રસ્તાની બાજુમાં પડેલા અનેક વાહનોને પણ નૂકશાન થયું હતું. અને બૂલેટ રોડ પરના ડીવાઈડર સાથે અથડાઈ ને રોકાઈ હતી. લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્ત હારૂનભાઈ ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા પરંતુ અતિગંભીર ઈજાઓના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવેલા હતા. ત્યા સારવાર દરમિયાન આજે તેમનું મોત નિપજ્યું હતુ. માંગરોળના વેરાવળ રોડ પર અકસ્માતનો શિલસીલો દિવસે ને દિવસે વધતો જાય છે. થોડા દિવસો પહેલા એક બેફામ કાર ચાલકે પાછળ થી એક યુવકને ઉડાવી ફરાર થઈ ગયા હતા. જેનો હજુ સુધી કોઈ તાગ પોલીસને મળ્યો નથી. ગઈકાલે હુસેનાબાદ ગામમાં એક યુવકનું કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું હતુ. હુસેનાબાદ ગામમાં છેલ્લી ચોવીસ અકસ્માતે બે મોત નિપજતા આખું ગામ હીબકે ચડયું હતું.


