સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
‘રક્તદાન – મહાદાન’ના સંદેશ સાથે સેવાયજ્ઞમાં જોડાવા રમેશભાઈ પરમારે કરી જાહેર અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વર્ગસ્થ વિમલભાઈ રમેશભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સમાજ પ્રત્યેની સેવાભાવનાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આગામી તા. 29-06-2026, સોમવારના રોજ સવારે 7:30 કલાકથી બપોરે 2:30 કલાક સુધી આર્ય નગર કોમ્યુનિટી હોલ, પેડક રોડ, બાલક હનુમાન મંદિર પાસે, રાજકોટ ખાતે ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞનું આયોજન સ્વ. વિમલભાઈના જિગરજાન મિત્રો, ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન, ભારતીય જનતા પાર્ટી – વિધાનસભા-68 (પૂર્વ) તથા સમસ્ત કોળી સમાજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર દ્વારા સમાજના તમામ યુવાનો, બહેનો-ભાઈઓ, સેવાભાવી નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરોને આ મહાસેવા યજ્ઞમાં સહભાગી બની સ્વૈચ્છિક રક્તદાન કરવા હાર્દિક અપીલ કરતાં જણાવાયું છે કે, રક્તદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવનદાન મળી શકે છે. એક યુનિટ રક્ત અનેક પરિવારો માટે આશાનું કિરણ બની શકે છે. તેથી વધુમાં વધુ રક્તદાતાઓ આ મહારક્તદાન કેમ્પમાં જોડાઈને માનવસેવાનું ઉત્તમ કાર્ય કરે તેવો અનુરોધ કર્યો છે.
આ સેવાયજ્ઞમાં આયોજક સમિતિએ તમામ સમાજ , યુવાનો તથા સેવાપ્રેમી નાગરિકોને સમયસર ઉપસ્થિત રહી સ્વ. વિમલભાઈ રમેશભાઈ પરમારની પુણ્યસ્મૃતિમાં આયોજિત આ સેવા યજ્ઞને સફળ બનાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.


