દિકરાને લેવા નીકળેલા ખેડૂતને જેસીબીએ કચડ્યા: ધુંધણ ગામના આધેડનું કરુણ મોત
ધુંધણ-કૃષ્ણનગર રોડ પર અકસ્માત સર્જાયો; ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા છતાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ધુંધણ ગામ નજીક શનિવારે રાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક ખેડૂતનું દુઃખદ મોત નીપજતાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. જેસીબીના ચાલકે બેદરકારીપૂર્વક બાઇકને અડફેટે લેતાં બાઇકચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડાયા છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
મળતી માહિતી મુજબ, ધુંધણ ગામના રહેવાસી અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ હરખાભાઈ દલવાણીયા (ઉ.વ. 45) શનિવારે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સમયે પોતાના પુત્રને નજીકના ગામેથી ઘરે લાવવા બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ધુંધણ અને કૃષ્ણનગર વચ્ચેના માર્ગ પર અજાણ્યા જેસીબી ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તેઓ બાઇક સહિત રસ્તા પર ફંગોળાઈ ગયા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક મોરબીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મુકેશભાઈ ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેઓ ચાર ભાઈ અને ચાર બહેનમાં બીજા ક્રમે હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક પુત્રી અને બે પુત્રો છે. દિકરાને લેવા નીકળેલા પિતાનું માર્ગ અકસ્માતમાં થયેલું અકાળે અવસાન સમગ્ર ધુંધણ ગામ માટે ગમગીનીનું કારણ બન્યું છે.


