શાપરની લૂંટમાં પોલીસનો મોટો ખુલાસો
સ્થાનિક ટીપ પરથી ઘડાયો હતો કરોડોની લૂંટનો સમગ્ર પ્લાન
ત્રણ આરોપી ઝડપાયા, પાંચ હજુ ફરાર ; લૂટ કરી તમામ આરોપી બોલેરોમાં ભાગી છૂટ્યાંહતા, રાજકોટ રૂરલ પોલીસને મળી આંશિક સફળતા
રૂ. 41.80 લાખની રોકડ, તમામ સોનાના દાગીના અને રાયફલ કબ્જે, દાહોદ-મધ્યપ્રદેશની ગેંગનો પર્દાફાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના શાપર ખાતે રાજવી પરિવારના 77 વર્ષીય વૃદ્ધના બંગલામાં થયેલી રૂ. 2.49 કરોડની ચકચારી લૂંટનો ભેદ આખરે રાજકોટ રૂરલ પોલીસે એક સપ્તાહની સઘન તપાસ બાદ ઉકેલી લીધો છે. ફિલ્મી ઢબે ઘરમાં ઘૂસી વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવનાર આઠ સભ્યોની ગેંગમાંથી ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે પાંચ આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 41.80 લાખની રોકડ, લૂંટાયેલા તમામ સોનાના દાગીના તેમજ રાયફલ કબ્જે કરી છે.
ગત 19મી તારીખે મધરાતે શાપરમાં રહેતા રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ જાડેજાના બંગલામાં છ બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધને બંધક બનાવી રૂ. 2.47 કરોડની રોકડ, સાત તોલા સોનાના દાગીના, રાયફલ, મોબાઇલ સહિત કુલ રૂ. 2.49 કરોડની માલમત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી. ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડોગ સ્ક્વોડ, એફએસએલ, રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત 15થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ તેમજ ભાગવાના માર્ગોના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ મોબાઇલ નંબર, લોકેશન, ઇન્ટરનેટ કોલિંગ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ દાહોદ અને મધ્યપ્રદેશ સુધી પહોંચી હતી.
સઘન તપાસ દરમિયાન પીઆઈ એ.બી. જાડેજા, એલસીબી પીએસઆઈ એચ.સી. ગોહિલ અને તેમની ટીમે બે દાહોદ તથા એક મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર લૂંટકાંડનો ભેદ બહાર આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટમાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા. જેમાં છ શખ્સો બંગલામાં પ્રવેશ્યા હતા, જ્યારે બે આરોપીઓ બોલેરો કાર સાથે બહાર નજર રાખી રહ્યા હતા. લૂંટ બાદ આરોપીઓ બોલેરો અને બે બાઇક મારફતે ભાગી છૂટ્યા હતા. રસ્તામાં એક સ્થળે બાઇકનું પેટ્રોલ ખૂટી જતાં બાઇકો મૂકી તમામ આરોપીઓ બોલેરોમાં સવાર થઈ અલગ-અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો પણ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ શાપરમાં મજૂરી કરતા કેટલાક શખ્સોએ રાજવી પરિવારના વૃદ્ધ ઘરમાં એકલા રહેતા હોવાની માહિતી મેળવી હતી. તેમણે બંગલાની સંપૂર્ણ રેકી કરીને મધ્યપ્રદેશની ગેંગને ટીપ આપી હતી. ત્યારબાદ દાહોદ અને મધ્યપ્રદેશના આરોપીઓએ મળીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે હાલ રૂ. 2.47 કરોડની લૂંટાયેલી રોકડમાંથી માત્ર રૂ. 41.80 લાખ જ પરત મેળવી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, લૂટ કરી તમામ આરોપી બોલરોમાં ભાગી છૂટ્યા હતા, ઘટનાના થોડા સમય બાદ જ રસ્તામાં રૂપિયા 20-20 લાખના ભાગ પાડી લીધા હતા. જેથી હજુ ફરાર આરોપીઓ પાસે મોટી રકમ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હવે બાકીના પાંચ આરોપીઓને ઝડપી પાડવા તેમજ બાકીની રોકડ અને મુદ્દામાલ કબ્જે કરવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે.
આઠમાંથી ત્રણ આરોપી ઝડપાયા
કુલ 8 આરોપીઓ લૂંટમાં સામેલ.
3 આરોપીની ધરપકડ.
5 આરોપી હજુ ફરાર.
દાહોદના 2 અને મધ્યપ્રદેશનો 1 આરોપી પોલીસ હાથે ચડ્યો.
શું-શું કબ્જે કરાયું?
રૂ. 41.80 લાખ રોકડ.
લૂંટાયેલા તમામ સોનાના દાગીના.
એક રાયફલ.
અન્ય મુદ્દામાલ સાથે તપાસ ચાલુ.
ટેક્નિકલ તપાસથી મળ્યો મોટો બ્રેકથ્રૂ
સીસીટીવી ફૂટેજની તપાસ.
મોબાઇલ લોકેશન અને કોલ ડેટાનું વિશ્લેષણ.
ઇન્ટરનેટ કોલિંગની તપાસ.
દાહોદ અને મધ્યપ્રદેશ સુધી પોલીસ પહોંચી.
શાપરમાંથી જ મળી હતી ગેંગને ટીપ
સ્થાનિક મજૂરોએ કરી હતી બંગલાની રેકી.
વૃદ્ધ એકલા રહેતા હોવાની માહિતી આપી.
મધ્યપ્રદેશની ગેંગને બોલાવી લૂંટનો પ્લાન બનાવાયો.
પોલીસ સ્થાનિક સંડોવણીની દિશામાં પણ વધુ તપાસ કરી રહી છે.


