આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ
યુ.કે. પ્રવાસ દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટી અને લેસ્ટર યુનિવર્સિટી સહિત વિવિધ સ્થળોએ ધ્યાન પ્રવચન કરતા શિવાકૃપાનંદ સ્વામી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો એવા યોગ અને ધ્યાનને આજે સમગ્ર વિશ્વમાં વ્યાપક સ્વીકાર મળ્યો છે. જીવનમાં શાંતિ, સુરક્ષા અને સર્વાંગીણ વિકાસ માટે લોકો જાતિ, ધર્મ, ભાષા, રંગ અને લિંગના ભેદભાવથી ઉપર ઊઠીને યોગ અને ધ્યાનને અપનાવી રહ્યા છે. યોગ અને ધ્યાનના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા અને વર્લ્ડ મેડિટેશન કમિટીના સભ્ય સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે.
હિમાલયમાં વર્ષો સુધી કરેલી સાધના દ્વારા પ્રાપ્ત થયેલ આધ્યાત્મિક જ્ઞાનનો એમની પ્રેરણાથી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના 72 દેશમાં પ્રચાર થયો છે. ધ્યાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ હેતુથી તેઓ સમયાંતરે વિદેશપ્રવાસો પણ કરે છે. હાલમાં તેઓ યુરોપના પ્રવાસ પર છે, જ્યાં વિવિધ દેશો અને શહેરોમાં ધ્યાનશિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ જ પ્રવાસ દરમિયાન 24 જૂનના રોજ આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવચન, ધ્યાન તથા પ્રશ્નોત્તરીનો સુંદર કાર્યક્રમ યોજાયો. સાંસદોએ ધ્યાનનો અભ્યાસ કરીને તેની દિવ્ય અનુભૂતિનો લાભ લીધો.
કોઈ દેશના સંસદમાં યોજાયેલી આ શિબિર પ્રથમ વખત નહોતી; અગાઉ વર્ષ 2015માં ભારતની સંસદમાં તથા વર્ષ 2024માં યુ.કે. એ ઉપરાંત, જર્મની, શ્રીલંકા અને નેપાળની સંસદોમાં પણ સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનશિબિરો યોજાઈ હતી. હવે વર્ષ 2026માં આયરલૅન્ડની સંસદમાં પણ સાંસદો માટે આ વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.


