કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું
તણાવમુકત જીવન અને એકાગ્રતા મેળવવા લાભ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
કે.એસ.એન. કણસાગરામહિલા કોલેજ, રાજકોટના એન.એસ.એસ. (NSS) વિભાગ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ખાસ યોગ અને મેડિટેશન (ધ્યાન) શિબિરનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે. તારીખ ૨૯ જૂનથી ૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ શિબિરમાં કોલેજની ૫૦થી વધુ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો વિશેષ લાભ મેળવ્યો હતો.
વિદ્યાર્થિનીઓમાં શારીરિક ક્ષમતાની સાથે માનસિક શાંતિ અને એકાગ્રતા વધે તેવા ઉમદા હેતુથી, કોલેજના આદરણીય પ્રિન્સિપાલડો. સ્નેહલ કોટકદ્વારા આ શિબિર માટે ત્વરિત મંજૂરી અને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખાસયોગ ગુરુ ગોસાઈ શ્રદ્ધાબેનહાજર રહ્યા હતા. તેઓએ ત્રણેય દિવસ વિદ્યાર્થિનીઓને ખૂબ જ સરળ શૈલીમાં યોગાસનો અને ધ્યાનની સચોટ પદ્ધતિઓનું પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ત્રિ-દિવસીય શિબિર દરમિયાન પ્રિન્સિપાલડો. સ્નેહલ કોટકઅને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રેણુકા બી. ચાવડાદ્વારા વિદ્યાર્થિનીઓને શારીરિક અને માનસિક રીતે સજ્જ થવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. બંને મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને આજના તણાવપૂર્ણ વાતાવરણમાં મનની સ્થિરતા માટે નિયમિતમેડિટેશન કરવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
ત્રણ દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિદ્યાર્થિનીઓને વિવિધ આસનો અને સૂર્ય નમસ્કારની સાથે મનની શાંતિ આપતી ધ્યાનની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા માટે કૉલેજના એન.એસ.એસ. સ્વયંસેવકો અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


