સૌરાષ્ટ્રનો વધુ એક ઓવરબ્રિજ વિવાદમાં
સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા
રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર નબળી ગુણવત્તાએ મોં ફાડયું, તિરાડો પડતા કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ : વાહન ચાલકોની સુરક્ષા સામે ઉઠેલા સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લામાં સરકારી વિકાસકામો અને હાઈવે નિર્માણની ગુણવત્તાના લીરેલીરા ઉડાડી દીધા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા રાજુલા નજીકના ચારનાળા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે.
નવાઈની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ જ્યાં સમારકામ કરીને ‘થીંગડા’ મારવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી જતાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના આક્ષેપો તેજ બન્યા છે.
રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે અત્યંત વ્યસ્ત ગણાય છે. આ રોડ પરથી માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દીવ અને સોમનાથ જવા માટે 24 કલાક પસાર થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ બન્યાને માંડ દોઢ વર્ષ અને હાઈવે તૈયાર થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. બ્રિજ પર ભયજનક તિરાડો પડી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો નથી, જેને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ઘટનાસ્થળે પહોંચેલી મીડિયા ટીમ સમક્ષ વાહનચાલકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને તંત્રની બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા હતા. વાહનચાલક અનિરૂદ્ધ વરૂએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ બ્રિજ તૂટી પડશે. આ બ્રિજ પર ચારથી પાંચ વાર રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. દર વખતે તંત્ર સામાન્ય મેન્ટેનન્સ કરીને સંતોષ માની લે છે, પણ હવે તિરાડોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે તો પૂરતું બજેટ આપ્યું છે, તો આ કઈ હદનો ભ્રષ્ટાચાર છે? જવાબદાર એજન્સીને પેનલ્ટી ફટકારી યોગ્ય કાયમી નિરાકરણ લાવવું જોઈએ જેથી કોઈનો જીવ ન જાય.
જો વહેલી તકે યોગ્ય પગલાં અને કાયમી સમારકામ કરવામાં નહીં આવે, તો આ હાઈવે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નોતરી શકે છે તેમ સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે.
‘અકસ્માત થશે તો જવાબદાર કોણ?’ : બાઇકચાલક
બાઇકચાલક પ્રવીણસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનતાના પૈસાનો વેડફાટ થાય છે. કામ પૂરું થયે માંડ વર્ષ-દોઢ વર્ષ થયું છે અને આટલી મોટી તિરાડો પડી ગઈ છે! આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. જે તે સમયે સરકારી અધિકારીઓએ કેમ સરખું સુપરવિઝન ન કર્યું? પબ્લિકના પૈસે આ બધું બને છે અને પબ્લિક જ હેરાન થાય છે. કાલે સવારે મોટો અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે?
ઉચ્ચ સ્તરીય તપાસની માગ
મહુવાથી શરૂ કરીને રાજુલા અને ઉના સુધીના આ આખા હાઈવે પ્રોજેક્ટમાં મોટાભાગના બ્રિજ અને રોડ પર નબળી કામગીરી થઈ હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. કારચાલક પ્રિતેશભાઈ સહિતના સ્થાનિક લોકોની માગ છે કે,
- કેન્દ્ર સરકાર દ્વારા આ નબળા કામોની તપાસ માટે તાત્કાલિક એક સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવે.
- હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની અને તેને આંખ આડા કાન કરીને બિલ પાસ કરી આપનારા સ્થાનિક જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય.


