મોરબીના રફાળેશ્વરમાં નાફેડ દ્વારા સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં આગ
કરોડોનો માલ રાખ બન્યો, ૬ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી નજીક રફાળેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે બપોરે આશરે 1:30 વાગ્યાના સુમારે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીને સંગ્રહ કરવામાં આવેલી મગફળીના વિશાળ જથ્થામાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી (What/Why). આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના10 જેટલા ફાયર ફાઈટરો દ્વારા છેલ્લા ૨૪ (24) કલાકથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે . જો કે, મગફળીનો જથ્થો અંદરથી સળગતો હોવાને કારણે 24કલાક વીતી જવા છતાં પણ આગ હજુ સુધી નિયંત્રણમાં આવી શકી નથી.
સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે નાફેડ દ્વારા જુદા જુદા ગોડાઉનો ભાડે રાખવામાં આવતા હોય છે. આ અંતર્ગત રફાળેશ્વર ગામ પાસે આવેલી ‘મેજિક સિરામિક’ નામની ફેક્ટરીના ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સ્ટોક કરીને રાખવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેની જાણ સ્થાનિકો દ્વારા તુરંત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.
મોરબી મહાપાલિકાના ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીના જણાવ્યા અનુસાર, ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ 10 ફાયર ફાઈટરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર જવાનો દ્વારા રાત-દિવસ જોયા વિના સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 60) લાખ લિટર જેટલા પાણીનો મારો ચલાવી દેવાયો છે, તેમ છતાં મગફળીના ઢગલાની અંદર સળગતી આગ હજુ પણ સંપૂર્ણપણે શાંત થઈ નથી અને સતત ધખતી રહી છે.
આ ભયાનક અકસ્માતમાં ગોડાઉનની અંદર રાખવામાં આવેલો મગફળીનો 100% જથ્થો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે મેજિક સિરામિકનું મજબૂત ગોડાઉન પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે. મગફળીના આ જથ્થાની કિંમત તેમજ પ્રોપર્ટીના નુકસાનને ગણતા આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
નાફેડની મગફળીમાં લાગેલી આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રનું પ્રાથમિક ધ્યાન હાલ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા પર છે. આગ બુઝાયા બાદ જ તપાસ સમિતિ દ્વારા આ આગ લાગવાનું ચોક્કસ અને સાચું કારણ જાણી શકાશે.


