રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતર પોલીસીનો વિરોધ
ખેડૂત હિતરક્ષક સમિતિની રચના: ટ્રેક્ટર રેલી કાઢતા રાજકોટ-દ્વારકા હાઈ-વે પર ચક્કાજામ
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબીના જેતપર બાદ હવે વીજપોલના વળતરનો મુદ્દો રાજકોટ જિલ્લામાં પણ ગરમાયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ખેડૂતોએ બાંયો ચડાવી છે અને પોતાના હક્કની લડાઈ માટે ‘ખેડૂત હિતરક્ષક સમિતિ’ની રચના કરી છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો એકત્રિત થઈને એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજી હતી, જેના કારણે રાજકોટ-દ્વારકા હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ વળતર તેમને મંજૂર નથી. ખેડૂતો ઈચ્છે છે કે તેમને જમીનનું વળતર બમણું નહીં પરંતુ ચાર ગણું મળે. આ ઉપરાંત, ખેડૂતોએ એક વિકલ્પ પણ મૂક્યો છે કે, સરકાર તેમની જમીન લીઝ પર લે અને ખેડૂતો સાથે ભાડા કરાર કરે. ખેડૂતોની એવી પણ માંગ છે કે, જેમ વીજળીના યુનિટના ભાવમાં વધારો થાય તેમ ખેડૂતોના ભાડામાં પણ સમયાંતરે વધારો કરવામાં આવે.
આ સમગ્ર પ્રક્રિયામાં ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ એ વાતનો છે કે, સરકાર દ્વારા જમીનના ભાવ નક્કી કરવા માટે જે સમિતિ બનાવવામાં આવી છે, તેમાં કંપની અને કલેક્ટર તંત્રના અધિકારીઓ તો છે, પરંતુ ખેડૂત પ્રતિનિધિનો કોઈ પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
રેલીના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થતા પડધરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.


